સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન: નિવૃત્ત પોલીસકર્મીઓ અને આર્મી જવાનોને મહિલા કર્મચારીઓએ રાખડી બાંધી

સુરેન્દ્રનગર: પોલીસ કર્મીઓ લોકોની સુરક્ષા માટે દિવસ-રાત ખડેપગે રહેતા હોય છે. તેમને પણ રાખડીની રક્ષાનું બંધન મળે તે જરૂરી છે. આવા હેતુથી પોલીસ વિભાગમાં પણ રક્ષાબંધનનું આયોજન થતું હોય છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગરના વિવિધ પોલીસ મથકોમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની ઉજવણી

સુરેન્દ્રનગરમાં આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવારની ઉજવણી કરવામાં શહેરની પોલીસ પણ બાકાત રહી ન હતી. સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધન તહેવાર અંતરગત નિવૃત્ત પોલીસ અધિકારી/કર્મચારીઓ અને નિવૃત્ત આર્મી જવાનો સાથે રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવા બાબતેનો કાર્યક્રમ કરવા સૂચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: રક્ષાબંધને જેલમાં લાગણીસભર માહોલ: ભાઈઓને રાખડી બાંધતા બહેનોની આંખો છલકાઈ
સી ટીમની મહિલા કર્મીઓએ બાંધી રાખડી

રક્ષાબંધનના પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિવૃત્ત પોલીસ અધિકારીશ્રી/કર્મચારીઓ તથા નિવૃત્ત આર્મી જવાનો હાજર રહ્યા હતા. જેમને સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેની સી ટીમમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી.
નિવૃત્ત પોલીસ અધિકારીશ્રી/કર્મચારીઓ તથા નિવૃત્ત આર્મી જવાનોએ રાખડી બાંધનાર બહેનોને ભેટ પણ આપી હતી. આમ, સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનનો ભાવુક માહોલ સર્જાયો હતો.