લીંમડીના સુદામડા ગામમાં યોજાશે ખેડૂત મહાપંચાયત, કેરીજવાલ અને ભગવંત માન પણ રહેશે હાજર

સુરેન્દ્રનગરઃ લીંમડી વિધાનસભાના સુદામડા ગામમાં ‘આપ’ દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા બોટાદના હડદડમાં મંજૂરી વગર થયેલી મહાપંચાયતમાં ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું. પરંતુ હવે લીંમડીમાં આમ આદમી પાર્ટીને આ મહાપંચાયત માટે પ્રશાસન દ્વારા સત્તાવાર રીતે મંજૂરી આપી દેવામાં આવી છે.
જેથી આવતીકાલે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેવાના છે. રાજ્યની એપીએમસીમાં જે કડદા પ્રથા ચાલે છે તેને બંધ કરવાની સાથે ખેડૂતોને ભેગા કરી સરકારને ઘેરવાનો આમ આદમી પાર્ટી પ્રયાસ કરશે.
ખેડૂત મહાપંચાયત માટે પ્રશાસન દ્વારા મંજૂરી આપવામાં આવી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, શુક્રવારે આ ખેડૂત મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન પણ હાજર રહેવાના હોવાનું પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે.
આ વખતે કોઈ પણ રોકટોક વગર મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં આ કિસાન મહાપંચાત યોજાશે કારણે પ્રશાસન દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જેથી પહેલાની જેમ પોલીસ અને ખેડૂતો વચ્ચે કોઈ ઘર્ષણ થશે નહીં. આ મહાપંચાયત દરમિયાન ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો અને તેમની માંગણીઓ અંગે ચર્ચા કરીને મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે.
આપણ વાચો: અરવલ્લીના મોડાસામાં ખેડૂત-પશુપાલક મહાપંચાયત યોજાઈઃ કેજરીવાલના ભાજપ પર આકરા પ્રહાર
સુદામડા ગામમાં યોજાતી આ મહાપંચાયત ઐતિહાસિક રહેશે
લીંમડી વિધાનસભાના સુદામડા ગામમાં યોજાતી આ મહાપંચાયત ઐતિહાસિક રહેશે તેવું આમ આદમી પાર્ટીના નેતાઓનું માનવું છે. આ પહેલા જ્યારે બોટાદના હડદડમાં કડદા પ્રથા નાબૂદ કરવા માટે ખેડૂત મહાપંચાયનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રશાસન દ્વારા તેની મંજૂરી આપવામાં નહોતી આવી.
જેથી પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. કેટલાક લોકોએ પોલીસ ગાડીઓ પણ ઉથલાવી દીધી હતી. જેના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતાં. પોલીસે કાર્યવાહી કરતા આમ આદમી પાર્ટીના નેતાઓ અને ખેડૂતો સામે ફરિયાદ નોંધી ધરપકડ પણ કરી હતી.



