ધ્રાંગધ્રા-સરા હાઇ-વે પર સર્જાયો ભયાનક અકસ્માતઃ એક જ પરિવારના 4 લોકોનાં મોત…

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં સરા-ધ્રાંગધ્રા રોડ પર ભયાનક અકસ્માતની ઘટના ઘટી છે, જેમાં ચાર નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ કરૂણ ઘટનામાં એક કાર બેકાબૂ બનીને એક મોટા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ચાર વ્યક્તિઓના કરૂણ મોત થયા છે. મૃતકોના પરિવારમાં આ સમાચારથી શોકનું મોજું ફરી વળ્યું છે.
બેદરકારીના કારણે સર્જાયો આ અકસ્માતઃ સ્થાનિકો
મળતી જાણકારી પ્રમાણે જ્યા અકસ્માત થયો તે માર્ગ પર કામકાજ ચાલી રહ્યું હતું, જેના કારણે રોડ પર ડાઇવર્ઝન આપવામાં આવ્યું હતું. જોકે, કામકાજ દરમિયાન સલામતીના પૂરતા પગલાં લેવામાં આવ્યા ન હોવાની આશંકા છે. કારચાલકોને આ ડાઇવર્ઝન કે ખાડાની જાણ થઈ નહોતી. જેના કારણે કાર સીધી ખાડામાં ખાબકી ગઈ હતી. માર્ગ પર કામકાજ ચાલતું હોવા છતાં યોગ્ય સાંકેતિક બોર્ડ કે બેરિકેડ્સ નહીં હોવાની શક્યતાને કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પોલીસ દ્વારા અકસ્માત કેસમાં તપાસ શરૂ કરવામાં આવી
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહોને બહાર કાઢીને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાઇવર્ઝન આપવામાં થયેલી બેદરકારી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. કોન્ટ્રાકટરની બેદરકારીએ ચાર લોકોનો ભોગ લીધો હોવાનું સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે. જો કે, પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
બે મહિલા અને એક પુરુષના ઘટનાસ્થળે મોત
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ અકસ્માતમાં દાધોળિયા ગામના બે મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન મુત્યુ થયું હતું. મૃતકમાં 45 વર્ષીય બબુબેન ઝેઝરિયા, 30 વર્ષીય ભાનુબેન ઝેઝરિયા, 45 વર્ષીય ચોથાભાઈ ઝેઝરિયા અને 40 વર્ષીય ભાવનાબેન ઝેઝરિયાનો સમાવેશ થાય છે. હજી પણ બે લોકો ગંભીર રીતે ઘાયલ હોવાથી ટીબી હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે સારવાર હેઠળ છે.
મળતી માહિતી અનુસાર મહિલાની તબિયત બગડ્યા પછી નજીકની હોસ્પિટલમાં લઈ જતા હતા, ત્યારે રસ્તામાં કાર ચિત્રોડી નજીકના પુલ પરથી પસાર થઈ ત્યારે ડ્રાઈવરે નિયંત્રણે ગુમાવતા અકસ્માતનો ભોગ બન્યા હતા.
આ પણ વાંચો…ખેડા-ધોળકા હાઇવે પર આવેલી હોટેલમાં કાર ઘૂસી ગઈ, સર્જાયો અફરાતફરીનો માહોલ