સુરેન્દ્રનગરના જરવાલ ગામ પાસે કાર પુલ તોડી નદીમાં ખાબકી, દંપતી ગંભીર રીતે ઘાયલ…

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં શનિવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના જરવાલ ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. એક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર પુલ સાથે અથડાઈને નદીમાં ખાબકી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે, કાર 15 ફૂટ જેટલી ઊંચી નીચે પટકાઈ હતી. આ દરમિયાન કારને નુકસાન થયું હતુ, જો કે, કોઈ જાનહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી.
લખતર તાલુકાનું દંપતી ગંભીર રીતે ઘાયલ
આ કારમાં લખતર તાલુકાનું એક દંપતી સવાર હતુ. આ બંને નવરંગપુરા તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે પુલ સાથે અથડાયા પછી આગળની બંને સીટ પુલના થાંભલામાં ફસાઈ ગઈ અને આખી ગાડી નદીમાં પડી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતના કારણે કાર સંપૂર્ણપણે નુકસાન થયું હતું. કારમાં સવાર પતિ-પત્નીને ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે બંનેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફત નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.
પોલીસ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતની ઘટના અંગે વધારે તપાસ શરૂ કરી દીધી હતી. ઘાયલ દંપતીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘયલોની અત્યારે પાટડીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની સ્થિતિ અંગે તબીબો દ્વારા હજી સત્તાવાર રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી.
CCTV વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
સુરેન્દ્રનગરમાં થયેલા આ અકસ્માતના CCTV વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, કારની સ્પીડ ખૂબ જ વધારે હતી. સ્પીડ વધારે હોવાના કારણે કારચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર પહેલા પુલ સાથે અથડાઈ અને પછી નીચે નદીમાં પટકાઈ હતી. આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અકસ્માત કેસની તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો…સુરેન્દ્રનગરઃ નોકરીના પ્રથમ દિવસે જ બે સગાભાઈઓના મોત, માથું ધડથી અલગ થઇ ગયું


