સુરેન્દ્રનગર

ધારાસભ્યો માટે શું કાયદા અલગ છે? હળવદ-વટામણ વીજ લાઈન પ્રોજેક્ટમાં ગંભીર ગેરરીતિની શંકા

સુરેન્દ્રનગર: ગુજરાતમાં કાયદો બધા માટે સમાન હોવાના દાવાઓ વચ્ચે હળવદ-વટામણ 765kv વીજ લાઈન પ્રોજેક્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. વઢવાણની એક જમીનના કિસ્સામાં જે રીતે નિયમોનું ઉલ્લંઘન થયાની શંકા છે, તે જોતા સવાલ શું સત્તાધારી પક્ષના ધારાસભ્યો માટે વહીવટી તંત્રના નિયમો બદલાઈ જાય છે? તેવો સવાલ ખેડૂત આંદોલન લડત સમિતિ કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ ઉઠાવ્યો છે.

શું છે સમગ્ર વિવાદ?
વઢવાણ ગામના સર્વે નંબર 2602 (ખાતા નંબર 2777) ની 23,067 ચોરસ મીટર જમીન, જેના માલિક પ્રકાશભાઈ પરસોત્તમભાઈ પટેલ છે. તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે. આ જમીન વીજ લાઈન પ્રોજેક્ટના ગેઝેટ નોટિફિકેશનમાં હોવા છતાં તેને શંકાસ્પદ રીતે NA (બિન-ખેતી) મંજૂરી મળી હોવાનું દેખાઈ રહ્યું છે.

તારીખ અને ઘટનાક્રમ પર એક નજર
સરકારી નિયમ મુજબ, એકવાર ગેઝેટ નોટિફિકેશન જાહેર થઈ જાય તે પછી તે જમીનની સ્થિતિમાં ફેરફાર કે બિન-ખેતીની પ્રક્રિયામાં અનેક અવરોધો હોય છે. પરંતુ અહીં કિસ્સો અલગ છે. 31-01-2025ના રોજ વીજ લાઈન માટેનું ગેઝેટ નોટિફિકેશન જાહેર થયું હતું. 04-03-2025ના દિવસે ગેઝેટ બહાર પડ્યાના એક મહિના બાદ જમીન બિન-ખેતી કરવા ઓનલાઈન અરજી થઈ હતી. 03-04-2025ના રોજ માત્ર એક જ મહિનામાં જમીન બિન-ખેતી (NA) થઈ ગઈ હતી! તેથી જો ગેઝેટ નોટિફિકેશન આવી ગયું હોય, તો તેના પછીની તારીખમાં NA ની મંજૂરી કઈ રીતે મળી શકે? તેવો સવાલ ઉઠ્યો છે.

કંપનીના ડોક્યુમેન્ટમાં ‘MLA’ હોવાનો ઉલ્લેખ
ખેડૂતોએ કંપની પાસેથી મેળવેલા દસ્તાવેજોમાં આ જમીનની વિગત 7 નંબર પર છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે દસ્તાવેજમાં “prakash varmora MLA (found NA land as per discussion) એવું લખાણ જોવા મળ્યું છે. આ લખાણ સૂચવે છે કે “ચર્ચા મુજબ” આ જમીન NA જાહેર કરવામાં આવી છે. આ વિગતમાં 810 મીટરનો ટેન્ટેટિવ એરિયા પણ દર્શાવવામાં આવ્યો છે.

તંત્રની કામગીરી સામે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે, કંપની કે કલેક્ટર જ્યારે નોટિસ આપે છે, ત્યારે તેમાંથી ધારાસભ્યનું નામ બાકાત કેવી રીતે રહી ગયું? બીજી તરફ, ટંકારાના જબલપુર ગામના ખેડૂત ભાણજીભાઈની જમીન ગેઝેટ નોટિફિકેશન પહેલાની NA હોવા છતાં, કલેક્ટરની નોટિસમાં તેમનું નામ છે. જો બિન-ખેતી જમીન માટે કલેક્ટર નોટિસ ન કાઢતા હોય, તો જબલપુરના ખેડૂતનું નામ કેમ આવ્યું? અને જો નોટિસ કાઢવી ફરજિયાત હોય, તો ધારાસભ્યનું નામ કેમ ગાયબ છે?

સામાન્ય ખેડૂતો પોતાની જમીન બચાવવા કે વળતર માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે રાજકીય વગ ધરાવતા લોકો માટે તંત્ર લાલ જાજમ પાથરી રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. શું વહીવટી તંત્ર આ મામલે સ્પષ્ટતા કરશે કે પછી ‘ચર્ચા મુજબ’ ના નામે નિયમોનું ઉલ્લંઘન ચાલુ રહેશે?

આપણ વાંચો:  પેન છોડીને ‘હથિયાર’ પકડતા વિદ્યાર્થીઓ, ગુજરાતના શિક્ષણ જગત માટે ખતરાની ઘંટડી!

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button