સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગેરરીતિ આચરતા વિદ્યાર્થીઓને કરી આકરી સજા, એકને 10,000 રૂપિયાનો દંડ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા ચોરી કરતા વિદ્યાર્થીઓને કડક સજા ફટકારવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીની પ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટી સમક્ષ 14 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જેમાં ચિઠ્ઠી, કૌટિલ્યનું પેજ, ઘરેથી લાવેલા મટીરીયલમાંથી ચોરી કરતા 13 વિદ્યાર્થીઓને 4000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો અને ચાલુ પરીક્ષાએ મોબાઇલમાંથી ચોરી કરતી વિદ્યાર્થિનીને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટી સમક્ષ 14 વિદ્યાર્થીઓ હાજર રહ્યા
વિગતે વાત કરવામાં આવે તો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન ગેરરીતિ કરતા 13 વિદ્યાર્થીઓને 1+1 પરીક્ષાની સજા એટલે કે તે વિદ્યાર્થી ચાલુ પરીક્ષા ઉપરાંત વધારાની એક પરીક્ષા નહીં આપી શકે જ્યારે અન્ય વિદ્યાર્થિની આગામી બે સેમેસ્ટર સુધી પરીક્ષા નહીં આપી શકે તેવી સજા કરવામાં આવી હતી. ગેરરીતિના આ કેસમાં 11 વિદ્યાર્થિનીઓ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવો છબરડો: પરીક્ષા આપી હોવા છતાં ૬ વિદ્યાર્થી ‘ગેરહાજર’ દર્શાવાયા, NSUI લાલઘૂમ!
જુલાઈ અને ઓગસ્ટ- 2025ની પરીક્ષામાં થઈ હતી ચોરી
મળતી જાણકારી પ્રમાણે, જુલાઈ અને ઓગસ્ટ- 2025 દરમિયાન લેવાયેલી પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓને સજા માટેની પ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટીની બેઠક તાજેતરમાં મળી હતી. જેમાં એમએ ગુજરાતી સેમેસ્ટર -2ની એક્સટર્નલ પરીક્ષા આપતી 2 વિદ્યાર્થિની, એમકોમ સેમેસ્ટર-2ની 1 વિદ્યાર્થિની, બીએડ સેકન્ડ યર સેમેસ્ટર-2નો એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિની, એમએ સમાજશાસ્ત્ર સેમેસ્ટર-2ની એક વિદ્યાર્થિની પરીક્ષા ચોરી કરતા પકડાઈ જતા તેનું હિયરિંગ કરાયું હતુ.



