રાજકોટમાં ટ્રેનની અડફેટે આવતા બે લોકોના કરૂણ મોત

રાજકોટ: ગુજરાતમાં રોડ અકસ્માત સાથે ટ્રેન અકસ્માતની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે. રાજોકટમાં જિલ્લામાં કોરાટ ચોક નજીક ઢુંવા ફાટક પાસે ટ્રેનની અડફેટે આવવાથી બે યુવકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં સુનિલ મકવાણા અને સૌરભ સોલંકીનું કરૂણ મોત નીપજ્યું હતું.
ઘટનામાં મૃત્યુ પામેલા બંને યુવકો થોરાળા વિસ્તારના રહેવાસી હતા અને લોઠડાના પૂઠાના કારખાનામાં મજૂરી કરતા હતા. ઘટનાના દિવસે નાઈટ ડ્યૂટી પૂર્ણ કરીને સ્કૂટર પર ઘરે પરત ફરતી વખતે રેલવે ફાટક પાસે ટ્રેનની અડફેટે આવ્યા હતા. બીજા દિવસે સવારે સ્થાનિકોએ મૃતદેહ જોઈ પોલીસને જાણ કરી. આજીડેમ અને રેલવે પોલીસે ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહોની ઓળખ કરી અને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
બીજી બાજું ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં બંધ રેલવે ફાટક ક્રોસ કરવાની ઉતાવળમાં એક વૃદ્ધને ગંભીર ઈજા થઈ. રેલવે ટ્રેક પર ટ્રેન આવવાની હોવાથી ફાટક બંધ હતું, છતાં મહેશભાઈ ગીરજાશંકર શુક્લ નામના વૃદ્ધે ફાટક ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ટ્રેનની અડફેટે આવતાં તેમનો હાથ કપાઈ ગયો. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને હોસ્પિટલ ખસેડ્યા. બોરતળાવ પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે.