ભારત અને ચીન નજીક આવી રહ્યા છે ત્યારે રાજકોટના વેપારીઓ માટે મોટી રાહત લઈને આવ્યા છે આ સમાચાર

રાજકોટ: કોરોનાકાળ દરમિયાન ભારતે અનેક ચાઈનીઝ મોબાઈલ એપ સહિત ભારતથી સીધી જતી ફ્લાઈટ બંધ કરી દીધી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભારતના ચીન સંબંધો સુધર્યા છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના પ્રવાસે જઈને આવ્યા છે. વડા પ્રધાનનો આ પ્રવાસ રાજકોટના વેપારીઓ માટે એક સારા સમાચાર લઈને આવ્યો છે. હવે રાજકોટથી ચીનની સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે.
સમય અને પૈસાની થશે બચત
ઓક્ટોબર મહિનાથી રાજકોટને ત્રણ નવી ફ્લાઈટ્સ મળવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે, રાજકોટને મળનારી નવી ત્રણ ફ્લાઈટ ચીનના ગોન્ઝાઉ શહેર સુધી જશે. આ ફ્લાઈટનું સંચાલન ઈન્ડિગો એરલાઇન દ્વારા કરવામાં આવશે. ઇન્ડિગો એરલાઇન દ્વારા આ નવા રૂટ પર કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
રાજકોટથી શરૂ થનારી ફ્લાઈટ કોલકાતા થઈને ચીન જશે. આ ફ્લાઈટ રાજકોટથી કોલકાતા માટે અઠવાડિયામાં 4 દિવસ શરૂ કરાશે. રાજકોટથી કોલકાતા સુધીનો પ્રવાસ ડોમેસ્ટિક ફ્લાઈટ તરીકે ગણાશે. ત્યારબાદ કોલકાતામાં કસ્ટમ્સ અને ઈમિગ્રેશનની પ્રક્રિયા પૂરી કરીને મુસાફરો આ જ ફ્લાઈટમાં આગળ ચીન માટે મુસાફરી કરી શકશે.
આ નિર્ણયથી સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓને મોટી રાહત થશે. અગાઉ, ચીન જવા માટે બેંગકોક, સિંગાપોર કે હોંગકોંગ જેવા શહેરોમાં સ્ટોપ લેવો પડતો હતો, જેના કારણે સમય અને પૈસા બંનેનો વ્યય થતો હતો. હવે રાજકોટથી જ સીધી હવાઈ સેવા મળવાથી આ સમસ્યા દૂર થશે.
કોરોના દરમિયાન બંધ કરાઈ હતી સીધી ફ્લાઈટ
ચીન ઉપરાંત, ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા રાજકોટથી ઈન્દોર અને ઉદેપુર માટેની ફ્લાઈટ્સ પણ ફરીથી શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ફ્લાઈટ્સ અગાઉ બંધ કરી દેવામાં આવી હતી. આ સાથે દિલ્હી માટેની સવારની ફ્લાઈટ પણ શરૂ થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ દરમિયાન ભારત અને ચીન વચ્ચે સંબંધો વણસ્યા હતા. તેથી છેલ્લા 4 વર્ષથી ભારતે ચીન માટેની સીધી ફ્લાઈટ બંધ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસ બાદ હવે ભારતથી ચીનની સીધી ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આપણ વાંચો: ભરૂચ GIDCની સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા