
રાજકોટઃ ગુજરાત રાજ્યના શિક્ષકો પર શિક્ષણ સિવાયની જવાબદારીઓ પણ કરવાની હોય છે. જેમાં મતદાર યાદી, ચૂંટણી ફરજ, વસ્તી ગણતરી અને રાજકીય નેતાઓની સભામાં લોકોની હાજરમી માટે બસની વ્યવસ્થા કરવી વગેરે. હવે રાજ્ય સરકારે શિક્ષકો માટે નવી કામગીરી સોંપવાનો વિચાર કર્યો છે. હવે રાજ્યના શિક્ષકોને લોકમેળા દરમિયાન VVIP ભોજન વ્યવસ્થામાં મદદ કરવાની જવાબદારી આપવામાં આવી છે. રાજકોટ જિલ્લાના જસદણના ડેપ્યુટી કલેક્ટરે ઘેલા સોમનાથ મંદિરે શ્રાવણ મહિને આયોજિત લોકમેળા માટે 30 આચાર્ય અને 1 મદદનીશ શિક્ષકને તાત્કાલિક અહીં વ્યવસ્થા માટે મોકલવાનો આદેશ કર્યો છે.
ભોજનની વ્યવસ્થા કરવા માટે શિક્ષકોને બોલાવાશે!
ઘેલા સોમનાથ મંદિરે શ્રાવણી મેળામાં સંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરા અને શિવ કથા જેવી અનેક ઘટનાઓને પગલે વહીવટી વ્યવસ્થામાં આવતા VVIPઓ માટે ભોજનની વ્યવસ્થા કરવા માટે શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને પણ 30 દિવસ સુધી સતત મેળા સ્થળે હાજર રહેવા ફરજ પણ પાડવામાં આવી છે. આ તમામ નિર્ણયોના આદેશ સાથે તારીખ મુજબ કયા શિક્ષકો અને આચાર્યોની ફરજ રહેશે તેનું સ્પષ્ટ લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

શિક્ષકો બાળકોને ભણાવશે કે VVIPઓ માટે ભોજનની વ્યવસ્થા કરશે?
જસદણ SDM દ્વારા તૈયાર કરાયેલા આ લિસ્ટમાં માત્ર હિંદુ સમુદાયના શિક્ષકોને સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયે શિક્ષણવિહિન કામગીરીમાં શિક્ષકોની અવ્યાખ્યાયિત નિમણૂક અને ધાર્મિક સમતાના મુદ્દે પણ ચિંતાની લાગણી ઊભી કરી છે. કારણે જે શિક્ષકોએ બાળકોને ભણાવવાના હોય તે શિક્ષકોને હવે મેળામાં VVIPઓ માટે ભોજનની વ્યવસ્થા કરવાની? શું શિક્ષકો આ કામ માટે છે? આવા સવાલો અત્યારે લોકોને થઈ રહ્યાં છે. શિક્ષકોને બાળકોને ભણાવવા સાથે સાથે અનેક કામો કરવાના હોય છે તેમાં હવે આવી જવાબદારી આપવામાં આવી હોવાથી આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.