રાજકોટમાં રફતારનો કહેર! નશાની હાલતમાં કારચાલકે સર્જ્યો અકસ્માત | મુંબઈ સમાચાર

રાજકોટમાં રફતારનો કહેર! નશાની હાલતમાં કારચાલકે સર્જ્યો અકસ્માત

રાજકોટઃ રાજકોટમાં નશાની હાલતમાં કારચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ અંડરબ્રિજ પાસે નશો કરી ગાડી ચલાવતા વ્યક્તિએ અકસ્માત સર્જ્યો છે. કારમાં બેઠેલો બીજો વ્યક્તિ પણ નશામાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, આ ગાડીમાંથી રોયલ સ્ટેગ નામની વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હતી. જેથી પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી દીધી છે.

રાજકોટ એ ડિવિઝન પોલીસે કારચાલકની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. પ્રશ્ન એ છે કે, ગુજરાતમાં દારૂબંધી છે તેવા બણગા ફુંકાતા રહે છે. તો પછી નશા કારક પદાર્થો મોટા પ્રમાણમાં સહેલાઈથી ગુજરાતમાં કેવી રીતે મળે છે? ગુજરાતમાં દારૂ મળે જ છે તે કડવી વાસ્તવિકતા છે. જેને નકારી શકાય નહીં! કાર ચાલકે દારૂ ક્યાથી લાવ્યો? કેમ રાજકોટ અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન નથી થતું? રાજ્યમાં વારંવાર ડ્રીંક એન્ડ ડ્રાઈવની ઘટના બનતી રહે છે. જ્યારે રાજકોટમાં ફરી આવી ઘટના બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

આપણ વાંચો:  પાડોશીઓએ શરાબ-સિગારેટ પીતા સગીરને બ્લેકમેલ કરી પડાવ્યા 32 લાખ

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ

આ પહેલા પણ સુરત, વડોદરા અને અમદાવાદમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવની ઘટનાઓ બની છે. જેમાં કેટલાક લોકોના જીવ પણ ગયાં છે. આ કેસમાં મહત્વનો પ્રશ્ન એ દારૂનો છે કે દારૂ આવ્યો ક્યાંથી? બે દિવસ પહેલા અમદાવાદમાં પણ રૂરલ પોલીસે સાણંદમાં એક જગ્યાએ રેડ પાડી હતી જ્યા દારૂની પાર્ટી થઈ રહી હતી. જેમાં કેટલાકની ધરપકડ પણ કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી 191 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. જે ખૂબ જ મોટો આંકડો છે. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે, આ બાબતે પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button