……..તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 35 બિલ્ડિંગોને મનપા કરશે સીલ!
રાજકોટ: લગભગ કોઈને કોઈ કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતત વિવાદોનું કેન્દ્ર બન્યા કરે છે. આ વખતે તેના દોઢ દાયકાના બાકી વેરાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત ચર્ચામાં આવી છે. રાજકોટ મનપાએ વારંવારની પાઠવેલી નોટિસ છતાં યુનિવર્સિટી દ્વારા કોઈપણ બાકી વેરો ન ભરતા મનપાની ટીમ યુનિવર્સિટીના કેમ્પસની બિલ્ડિંગોને સીલ કરવા પહોંચી હતી.
15 વર્ષથી નથી ભર્યો વેરો
મહાનગર પાલિકાની વેરા વસુલાત શાખાના અધિકારીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેલ્લા 15 વર્ષથી વેરો ભરવામાં આવ્યો નથી. જ્યારે પણ આ બાબતે પત્ર લખીને યુનિવર્સિટીના કુલપતિને જાણ કરવામાં આવે છે ત્યારે યુનિવર્સિટી પાસે ગ્રાન્ટ નથી તેમ કહી વાતને ટલ્લે ચડાવી દેવામાં આવે છે. ત્યારે આ વખતે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા લાલ આંખ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ભીંસમાં લઈને છેલ્લા 15 વર્ષનો બાકી વેરો ભરવા કહેવામાં આવ્યું છે.
આપણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ કુસ્તી સ્પર્ધામા સ્પોર્ટ્સ પ્રોફેસરો (PTI) વચ્ચે જાહેરમાં કુસ્તી
35 જેટલી બિલ્ડિંગોને મારશે સીલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ છેલ્લા 15 વર્ષનો વેરો ભર્યો જ નથી. રાજકોટ મનપાનું વેરા લેખે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે કુલ 17 કરોડ રૂપિયાનું લેણું છે. જો આગામી સમયમાં યુનિવર્સિટી દ્વારા વેરાની બાકી રકમ ભરવામાં નહિ આવે તો રાજકોટ મનપા યુનિવર્સિટીની 35 જેટલી બિલ્ડિંગોને સીલ મારશે.
આપણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની થશે કાયાપલટ : આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગેસ્ટ હાઉસ અને ભવનોનું થશે રીનોવેશન
યુનિવર્સિટીનું શું કહેવું છે?
આ અંગે વેરા વસૂલાત અધિકારીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બાકી વેરા અંગે જણાવે છે કે તે એક સરકારી એકમ હોય તેમને સરકારી ગ્રાન્ટ પર આધાર રાખવો પડે છે. આથી તેમને ગ્રાન્ટ મળે ત્યારે વેરો ભરી શકે છે. જો કે આટલા વર્ષો વીતવા છતાં વેરો ભર્યો નથી એટલે મનપાએ કડક વલણ દાખવ્યું છે.