રાજકોટમાં યોજાશે સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનની વાઈબ્રન્ટ સમિટ, સ્થળ નિર્ધારણ માટે ઈન્સપેક્શન શરૂ | મુંબઈ સમાચાર
રાજકોટ

રાજકોટમાં યોજાશે સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનની વાઈબ્રન્ટ સમિટ, સ્થળ નિર્ધારણ માટે ઈન્સપેક્શન શરૂ

રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયન માટેની વાઈબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે 8 અને 9 જાન્યુઆરી, 2026ના રોજ આ સમિટનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. સમિટના સ્થળની પસંદગી માટે રેસકોર્સ મેદાન, અટલ સરોવર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મારવાડી યુનિવર્સિટીના ઈન્સપેક્શન હાથ ધરાયા છે. ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓને ધ્યાનમાં લેતાં મારવાડી યુનિવર્સિટીમાં સમિટ યોજવાનો અંતિમ નિર્ણય થવાની શક્યતા છે.

જાપાન, કેનેડા અને યુરોપિયન દેશોને આપવામાં આવ્યું આમંત્રણ

રાજકોટમાં યોજાનારી આ રિજનલ સમિટ સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગકારો માટે મોટા અવસર લાવવાની છે. રાજ્ય સરકારે જાપાન, કેનેડા અને યુરોપિયન દેશોને પાર્ટનર કન્ટ્રી તરીકે બોલાવ્યાં છે. જેના કારણે વિદેશી રોકાણ વધવાની આશા વ્યક્ત થઈ રહી છે. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પાંચાણીએ જણાવ્યું કે, આ સમિટથી એન્જિનિયરિંગ, ઓટોમોબાઇલ, સોના-ચાંદી, સિરામિક, કૃષિ અને પોર્ટ ક્ષેત્રના ઉદ્યોગોને મોટી ગતિ મળશે. રાજકોટમાં એક લાખ જેટલા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ તો જામનગરમાં 20,000 જેટલી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે.

આ પણ વાંચો: વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ- ઉત્તર ગુજરાતનું સમાપન, ૧૨૧૨ એમઓયુ થયા: ૩ લાખ ૨૪ હજાર કરોડનું રોકાણ આવશે

ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી રોકાણ થવાનો અંદાજ

ઉત્તર ગુજરાત રિજિયનની સમિટ મહેસાણામાં સફળતાપૂર્વક યોજાઈ હતી, જેમાં રૂપિયા 3.24 લાખ કરોડના 1212 એમઓયુ થયા હતા. હવે સૌરાષ્ટ્ર-કચ્છની સમિટથી પણ મોટા પ્રમાણમાં રોકાણ અને રોજગારના નવા અવસર સર્જાવાની શક્યતા છે. રાજકોટની એક લાખ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ, મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રી, જામનગરના બ્રાસપાર્ટ્સ અને કચ્છના પોર્ટ વિસ્તારો માટે આ સમિટ ઐતિહાસિક અધિકાર સાબિત થવા જઈ રહી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button