સૌરાષ્ટ્રમાં સ્કૂલી ફીના મુદ્દે વાલીઓ અને સંચાલકો બન્ને અકળાયાઃ એફઆરસીના આદેશની રાહ…

રાજકોટ: રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોન ફી નિયમન સમિતિ (FRC) સૌરાષ્ટ્રના 11 જિલ્લાની લગભગ 5000 ખાનગી સ્કૂલોની ફી નિયંત્રિત કરે છે. પરંતુ, છેલ્લા પાંચ મહિનાથી ચેરમેનની જગ્યા ખાલી હોવાથી 650 સ્કૂલોની ફી વધારાની અરજીઓ પર નિર્ણય લેવાયો નથી. આનાથી વાલીઓ અને સંચાલકો વચ્ચે મૂંઝવણ ઊભી થઈ છે, જે શિક્ષણ ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો છે.
આ સમિતિ રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદની ખાનગી સ્કૂલોની ફી નક્કી કરે છે. 31 જાન્યુઆરીએ ચેરમેન પી.જે. અગ્રાવતના રાજીનામા બાદ નવા ચેરમેનની નિમણૂક થઈ નથી. 2025-26ના શૈક્ષણિક વર્ષ માટે 5200 સ્કૂલોએ ફી વધારવા અરજી કરી, પરંતુ ચેરમેન વિના નિર્ણય અટકી ગયો છે, જેની અસર વાલીઓ પર પડી રહી છે.
FRCના નિયમ મુજબ, ચેરમેન વિના કોઈ ઓર્ડર પસાર થઈ શકે નહીં. હાલના સભ્યોમાં શિક્ષણવિદ મુકુંદરાય મહેતા, સંચાલક પ્રતિનિધિ પ્રભુભાઈ સિંધવ, ચાર્ટર્ડ એકાઉન્ટ હાર્દિક વ્યાસ અને સિવિલ એન્જિનિયર પ્રવીણ વસાણીયા કાર્યરત છે, જેમને મીટિંગ દીઠ 3500 રૂપિયા મળે છે. ચેરમેન તરીકે 62 વર્ષથી ઓછી ઉંમરના હાઈકોર્ટના નિવૃત્ત જજની નિમણૂક જરૂરી છે, પરંતુ આ પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે.
કેટલીક સ્કૂલોએ સુવિધા આપના નામ પર ફી વધારો ઝીંકી દીધો છે, જેનો બોજ વાલીઓએ ઉઠાવો પડે છે. જેના કારણે FRCની પારદર્શકતા પર પણ સવાલ ઉઠે છે. સંચાલકોએ સરકારને ચાર વખત રજૂઆત કરી, ચેરમેનની તાત્કાલિક નિમણૂકની માગણી કરી. વાલીઓ ઝડપી નિર્ણયની રાહ જુએ છે. ઉલ્લેખનીય છે કે 2017માં જ્યારે આ સમિતિની લાવવામાં આવી હતી, ત્યારે ફી લગભગ 15-30 હજાર આસપાસ નક્કી થઈ હતી.
ફી વધારો કર્યા બાદ ખાનગી સ્કૂલોએ એફિડેવિટ કરવી પડે છે, આ અગાઉ પણ શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે કે, FRC એક્ટ વર્ષ 2017થી અમલમાં આવેલો છે. જેના આઠ વર્ષ પછી એટલે કે, વર્ષ 2025માં ફીના ક્રાઇટ એરિયામાં જે લિમિટ બાંધવામાં આવી છે, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે બીજા રાજ્યોમાં જ્યાં FRCનો એક્ટ બનાવવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈપણ ખાનગી સ્કૂલોને 5થી 8%નો ફી વધારો કરવો હોય તો તેને FRCમાં આવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી.
જો આ પ્રકારનો નિયમ કરવામાં આવે તો જે રીતે ગુજરાતના ચાર ઝોન એટલે કે, રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં ફાઈલોના ઢગલા થાય છે અને દરેકના સમય, શક્તિ અને પૈસાનો બગાડ થાય છે એ બચી શકે તેમ છે. જો આમ પણ ન કરવું હોય તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે જે મોંઘવારી દરમાં વધારો કરવામાં આવે છે, એટલો ફી વધારો કરવાની મંજૂરી આપે તો ખાનગી સ્કૂલોને FRC સમક્ષ આવવાની જરૂર નથી. માત્ર લેટરપેડ ઉપર લખીને આપવાનું રહે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ ચૂકી છે. હાલમાં ફીને લઈને સંચાલકો અને વાલીઓ બન્ને દુવિધામાં મુકાયા છે. જો કે, આ બધા વચ્ચે વાલીઓ જ મોટા ભાગે પીસાતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, સ્કૂલ દ્વારા ફી વધારવામાં આવેલ હોવા અંગે વાલીઓને જાણ કરી દેવામાં આવી છે. પરંતુ FRC દ્વારા આ ફી મંજુર કરવામાં આવશે કે કેમ? તે સૌથી મોટો સવાલ છે.