રાજકોટ લોકમેળામાં રાઇડ્સને લઈને ‘કોકડું’ ગૂંચવાયું
રાજકોટ: જન્માષ્ટમી પર યોજાતા રાજકોટ લોકમેળાને લઈને રાઇડ્સને લઈને ચાલી રહેલા વિવાદના મુદ્દાનું કોકડું વધુ ગૂંચવાયું છે. અગ્નિકાંડને લઈને લોકમેળામાં આ વખતે સલામતીને ધ્યાને લઈને થોડા નિયમો વધુ કડક કરાયા છે અને 44 નિયમો સાથેની SOP બનાવવામાં આવી છે. આકરા નિયમનોને લઈને આજે પણ ત્રીજી વખત હરાજીમાં યાંત્રિક રાઇડના સંચાલકોએ ભાગ ન લઈને તેઓ હરાજીથી અળગા રહ્યા છે.
રાજકોટમાં સાતમ આઠમના લોકમેળામાં આ વર્ષે જ ઘટેલ અગ્નિકાંડ જેવી દુર્ઘટનાને લઈને સુરક્ષા બાબતે વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેને લઈને રાઇડ્સ સંચાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આ નિયમોને થોડા હળવ કરવામાં આવે. આ મુદ્દે જિલ્લા વહીવટી તંત્રએ SOPમાં ફેરફાર કરવાનું અમારા હાથમાં ન હોવાનું કહ્યું હતું અને આથી રાઇડ્સ સંચાલકો ત્રીજી વખતની હરરાજીમાં અળગા રહ્યા હતા.
આ પણ વાંચો : રાજકોટ જિલ્લા પંચાયત બની ‘કંગાળ’ અસરગ્રસ્તોને ચૂકવવાના જ પૈસા નથી
જિલ્લા તંત્ર દ્વારા લોકમેળાના આયોજનમાં રાઇડસ માટે સુરક્ષાને લઈને નિયમોને વધુ કડક કરવામાં આવ્યા છે. જેમાં અનેક જરૂરી પ્રમાણપત્રો માંગવામાં આવ્યા છે જેને લઈને રાઇડ્સ ધારકોમાં કચવાટ ઊભો થયો છે. રાઇડ્સધારકોએ કલેકટરને મળીને નિયમો હળવા કરવાની માંગ કરી હતી. જો કે આ બાબતે કોઇ જ નિરાકરણ ન આવતા આજે યોજાયેલી હરાજીમાં રાઇડસ ધારકોએ હરાજીમાં રસ દાખવ્યો ન હતો અને ગેરહાજર રહ્યા હોવાનું જાણવા મળેલ છે.
રેસકોર્સમાં યોજાતો મેળો સરકારની નજર હેઠળ આયોજન પામતો હોવાથી આ મેળામાં સખત નિયમોનું પાલન કરવામાં આવશે અને જેને લઈને રાઇડ્સ સંચાલકો પણ જીદે ભરાયા છે. રાઇડ્સ સંચાલકોનું કહેવુ છે “જો SOPમાં ફેરફાર નહીં થાય તો અમે હરાજીમાં ભાગ નહીં લઇએ. અમે જુના નિયમો પ્રમાણે રાઇડ્સનું સંચાલન કરવા તૈયાર છીએ અને તંત્ર દ્વારા બનાવાયેલા નિયમો મોટા બ્રિજ અને રસ્તાઓ માટે હોય છે. જો કલેક્ટર બાંધછોડ કરવા તૈયાર ન હોય તો રાઇડ્સ વગર જ મેળો યોજાશે. અમે દરેક રાઇડ્સનો વીમો લઇએ છીએ, દરરોજ અમારી રાઈડ્સ પણ ચેક થાય છે. અમે સરકારને નિયમો હળવા કરવા રજૂઆત કરી છે, જો તેમ નહીં થાય તો મેળો રાઇડ્સ વગર યોજાશે.”