રાજકોટ જિલ્લા પંચાયત બની ‘કંગાળ’ અસરગ્રસ્તોને ચૂકવવાના જ પૈસા નથી
રાજકોટ: આ વર્ષે રૂ. 445 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરનાર રાજકોટ જિલ્લા પંચાયતની આર્થિક સ્થિતિ સાવ કંગાળ બની ગઈ હોય તેવી સ્થિતિ છે. કરોડોની ગ્રાન્ટ અને વહીવટો ધરાવતી રાજકોટ જિલ્લા પંચાયતનીં પાસે જિલ્લાના ભારે વરસાદના અસરગ્રસ્તોને સહાય માટે ચૂકવવાના જ પૈસા નથી. હવે વાયા કલેકટર થઈને સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે.
ગુજરાતમાં જુલાઇ માસમાં પડેલ અતિભારે વરસાદનાં લીધે અનેક રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અનેક ગામો પ્રભાવીત થયા છે. ઘેડ પંથકની શરૂઆતનો પ્રાંત ગણાતા ઉપલેટા તાલુકાના અનેક ગામો જળબંબાકાર થયા હતા અને લોકોની ખેતીને પણ ખૂબ જ નુકસાન થયું છે. જિલ્લાના એક પંથકમાં આપત્તિની સ્થિતિ હોવા છતાં જિલ્લા પંચાયત પાસે સહાય આપવા સુદ્ધાના પૈસા નથી.
આ પણ વાંચો : આવતીકાલ કોંગ્રેસની ન્યાયયાત્રાઃ મોરબીથી ગાંધીનગર સુધીની યાત્રાનો જાણો રૂટ
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના 27 ગામોમાં નુકસાની થઈ છે. પંથકમાં નુક્સાની બાદ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 352 મકાનોની દીવાલ પડી ગઈ હોય અને પાણીના ભરાવાને લીધે ઘર વખરી તણાઇ જવાની નુકસાની થઈ હતી. સર્વેમાં ચૂકવવાની થતી સહાયનો આંક 24 લાખ રૂપિયાને આંબી ગયો હતો. જો કે જિલ્લા પંચાયતની હાલત એટલી કફોડી છે કે અસરગ્રસ્તોને પણ સહાય કરી શકે તેમ નથી.
જિલ્લા પંચાયત પાસે આ અસરગ્રસ્તોને સહાય ચૂકવાય તેટલું પણ ભંડોળ નથી. જો કે આ મામલો હવે રાજકોટ કલેકટર સુધી પહોંચી ચૂક્યો છે અને તેમણે ધોરાજી પ્રાંત અધિકારી પાસેથી વિગતો મંગાવી છે. જિલ્લા પંચાયતના જવાબદારોએ હવે ગ્રાન્ટ માટે કલેકટર દ્વારા સરકાર પાસે હાથ લંબાવ્યો છે. આશ્ચર્યની વાત છે કે જે જિલ્લા પંચાયત 445 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરે છે તેની પાસે જ અસરગ્રસ્તોને ચૂકવવા માટેન પૈસા નથી.