રાજકોટમાં સાધુના વેશમાં આવેલી ઠગ ટોળકીએ 2 વૃદ્ધોને લૂંટ્યા, વશીકરણની આશંકા!

રાજકોટઃ રાજકોટ શહેરમાં સાધુના વેશમાં ફરતી ઠગ ટોળકી સક્રિય થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ઠગ ટોળકીએ બે જગ્યાએ લૂંટ આચરી હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ શહેરમાં પહેલા બનાવ અયોધ્યા ચોકમાં અને બીજો બનાવ રેલનગરમાં બન્યો હતો. આરોપ એવો છે કે, આ ઠગ ટોળકી વશીકરણ કરીને લૂંટની ઘટનાને અંજામ આપે છે. બે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ રાજકોટ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી દીધી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અને પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટમાં અયોધ્યા ચોક અને રેલનગરમાં બની લૂંટની ઘટના
ઘટનાની વાત કરવામાં આવે તો પહેલી ઘટના રાજકોટના અયોધ્યા ચોકમાં બની હતી. 63 વર્ષીય વૃદ્ધ પ્રફુલભાઈ વસાણી 150 ફૂટ રિંગ રોડ પર વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ વોકિંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન નંબર પ્લેટ વગરની એક સફેદ કાર આવીને તેમની પાસે ઊભી રહે છે. કારણ ત્રણ લોકો સવાર હતી. તેમાંથી એક વ્યક્તિ નીચે ઉતરીને કોઈ આશ્રમ માટે પૂછપરછ કરી હતી. આ દરમિયાન કારમાં સાધુના વેશમાં બેઠેલા એક વ્યક્તિએ 500 રૂપિયાની નોટ આપી હતી. જે બાદ પ્રફુલભાઈએ આ લોકોને 40,000ની કિંમતનો સોનાની ચેઈન અને રૂપિયા 30,000ની કિંમતની સોનાની વીંટી તે લોકોને આપી દીધી હતી. આ વસ્તુ લઈને ગઠિયા ફરાર થઈ ગયાં હતાં.
પહેલા 500ની નોટ આપી અને બાદમાં લૂંટ કરી ફરાર
બીજો બનાવ શહેરના રેલનગર વિસ્તારમાં બન્યો હતો. અહીં 62 વર્ષીય પ્રીતમદાસ લાલચંદ થધાણી ગઈ કાલે સવારે 7 થી 7:30 વાગ્યાની વચ્ચે વૉકિંગ કરી રહ્યાં હતાં. ઓમ સુઝુકી પાસે નંબર પ્લેટ વગરની સફેદ કાર તેમની પાસે આવી હતી. આ કારમાં પણ સાધુના વેશમાં ત્રણ લોકો બેઠેલા હતાં. એક વ્યક્તિએ પ્રીતમભાઈને આજીડેમ ચોકડી તરફ જવાનો રસ્તો પૂછ્યો હતાં. અહીં પણ કારમાં બેઠેલા સાધુના વેશમાં બેઠેલા વ્યક્તિએ પ્રીતમદાસને 500 રૂપિયાની નોટ આપી હતી. ત્યાર બાદ પ્રીતમભાઈએ 30,000ની કિંમતની 4 ગ્રામની સોનાની વીંટી આપી તે લઈને ઠગ ટોળકી ફરાર થઈ ગઈ હતી.
બંને ઘટનાઓમાં આરોપીઓની મોડસ ઓપરેન્ડી એક સમાન
આ સમગ્ર ઘટના મામલે ગાંધીગ્રામ અને પ્રદ્યુમન નગર પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું એવું છે કે, બંને ઘટનાઓમાં આરોપીઓની મોડસ ઓપરેન્ડી એક સમાન જ છે. જેથી પોલીસે સત્વરે તપાસ શરૂ કરી છે. રાજકોટ પોલીસે અત્યારે લોકોને ખાસ અપીલને સાવધાન રહેવા કહ્યું છે. અત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરવી જોખમી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો…કુરિયર ડિવિલરી એજન્ટના સ્વાંગમાં ફ્લેટમાં ઘૂસી આઇટી પ્રોફેશનલ પર બળાત્કાર: શકમંદ પકડાયો…