રાજકોટમાં તાંત્રિક વિધિના નામે 24 લાખની ઠગાઈ, પાખંડી ભુવાની ધરપકડ કરી

રાજકોટઃ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા 52 વર્ષીય સતીશ ધામી નામના ભુવાએ એક પરિવાર સાથે ઠગાઈ કરી છે. આ ભુવાએ તાંત્રિક વિધિના નામે અમદાવાદના જજીસ બંગલા વિસ્તારમાં રહેતા પરમાર પરિવાર સાથે 24 લાખથી વધુની રકમની છેતરપિંડી આચરી હતી.
આ મામલે કરિયાણાના વેપારી 55 વર્ષીય જયંતીલાલ પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના ભક્તિનગર પોલીસે બી.એન.એસ.ની કલમ 318 (4), 354 સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધીને સતીષ ધામી નામના ભુવાની ધરપકડ કરી લીધી હતી.
આપણ વાચો: દીકરાના અકસ્માતને નામે ગઠિયાઓ લાખોની ઠગાઈ કરી ગયા
ધાર્મિક વિધિથી કરાવી આપવાની લાલચ આપી છેતરપિંડી
મામલો એવો હતો કે, જયંતીલાલ પરમારના ઘરમાં થતા કંકાસ તેમજ પત્નીના પગમાં થતો દુખાવો તેમજ નાના દીકરાની સગાઈ તેમજ મોટા દીકરાના ઓસ્ટ્રેલિયા ખાતે પીઆરનું નિરાકરણ ધાર્મિક વિધિથી કરાવી આપવાની લાલચ આ ભુવાએ આપી હતી.
જેથી પરિવાર ભોળવાઈને ભુવાની વાતોમાં આવી ગયો હતો. આ ભુવાએ પરિવાર પાસેથી ધાર્મિક વિધિના નામે 24 લાખથી વધુની છેતરપિંડી આચરી હતી. જ્યારે પરિવારને છેતરપિંડીની જાણ થઈ ત્યારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આપણ વાચો: ઓનલાઈન કાર ડીલર બની શિક્ષકે કરી 1.73 કરોડની ઠગાઈ: 42 કારના સોદામાં લોકોને છેતર્યા…
ભુવાએ કટકે કટકે 24 લાખથી વધુ રૂપિયા પડાવ્યાં
આ પરિવાર પાર્થ ચોવટીયા નામના વ્યક્તિના કારણે ભુવાનો સંપર્કમાં આવ્યો હતો. પાર્થ ચોવટીયા નામના વ્યક્તિએ કહ્યું કે, ચમત્કારી સતીષ ધામી પાસે ધાર્મિક વિધિ કરાવો તો ઘરમાં કોઈ કંકાસ નહીં થાય! આ બંને વચ્ચે અનેક વખત વોટ્સએપ કોલથી વાતચીત થતી હતી.
ફરિયાદ પ્રમાણે ધાર્મિક વિધિ કરાવવા માટે કટકે કટકે 24 લાખથી વધુની રકમ ઓનલાઈન તેમજ રોકડમાં ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. રૂપિયા આપ્યા હોવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું ન હતું. એટલું જ નહીં પરંતુ આ મામલે જ્યારે ભુવા સાથે વાત કરી તો ભુવાએ વધારે રૂપિયા માંગ્યાં હતાં. જેથી પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.



