રાજકોટમાં ઉનાળામા 20 ગામોમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવશે

રાજકોટઃ રાજકોટ જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ પીવાની પાણીની અછત વર્તાવા લાગી છે. જેના પગલે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 20 ગામોમાં ટેન્કરથી પાણી પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ કલેકટરે એકશન પ્લાન બનાવ્યો છે. આ તમામ જવાબદારી નાયબ કલેકટરને સોંપવામાં આવી છે. 20 ગામોની યાદી તૈયાર કરવામાં આવી છે . જ્યારે પાણી સમિતિની બેઠકમાં કલેક્ટરે આદેશ કર્યો છે.
નાયબ કલેકટરને જવાબદારી સોપાઈ
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટે લોકોની મુશ્કેલી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન જિલ્લામાં પાણીની તંગી વાળા ગામોમાં ટેન્ડરો દોડાવવા માટે વહીવટી તંત્રે તૈયારી શરૂ કરી છે. તાજેતરમાં કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને પાણી સમિતિની બેઠક મળી હતી. જેમાં સંભવત પાણીની તંગીવાળા ગામોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેમજ પાણીના ટેન્ડરો શરૂ કરવાની સત્તા ડેપ્યુટી કલેકટરોને સોપવામાં આવી છે.સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવશે.
આ પણ વાંચો : આ છે રાજકોટનું ‘આંતરરાષ્ટ્રીય’ એરપોર્ટઃ જ્યાંથી દોઢ વર્ષ પછી પણ એકેય ફ્લાઈટ વિદેશ જતી-આવતી નથી!
રાજયના જળાશયોમાં હાલ સરેરાશ 50 ટકા જેટલું પાણી
રાજયના જળાશયોમાં હાલ સરેરાશ 50 ટકા જેટલું પાણી ભરેલું છે. ઉનાળાના દિવસોમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જનતાએ પીવાના પાણીની કોઇ જ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે રાજય સરકાર દ્વારા તમામ જળાશયોમાં આખુ વર્ષ ચાલે તેટલું પીવાનું પાણી અનામત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અનામત પાણીના જથ્થા બાદ જેટલું પાણી વધશે તે પાણી ખેડૂતોને સિંચાઇ માટે આપવામાં આવશે.
 
 
 
 


