રાજકોટમાં સાંઢિયા પુલનું કામ અટક્યું; 75 કરોડ ખર્ચ્યા પછી પણ સ્થાનિકો પરેશાન, કોંગ્રેસ મેદાનમાં ઉતર્યું

રાજકોટ: રાજકોટ જામનગર રોડ ઉપર આવેલ વર્ષો જૂનો સાંઢિયા પુલ 75 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્માણ પામી રહ્યો છે, પરંતુ રેલવે ટ્રેક ઉપર જે સ્ટીલ ગડર લોન્ચ કરવાના છે. તેની મંજૂરી નહીં મળતા કામમાં વિલંબ થઇ રહ્યો છે.
તંત્ર દ્વારા વહીવટી પ્રક્રિયા પહેલા પૂર્ણ કરવાની હોય છે, પરંતુ તે સમયસર પૂર્ણ નહીં થતા જામનગર રોડને જોડતા વિસ્તારો જેવા કે બજરંગવાડી, વોરા સોસાયટી, વાંકાનેર સોસાયટી, રેલનગર, લોકો કોલોની સહિતના વિસ્તારોમાં રહેતા લાખો લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે.
કોંગ્રેસ નેતાઓ જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરી
લોકો પરેશાન થઈ રહ્યાં હોવાના કારણે ત્વરિત કામગીરી પૂર્ણ કરવા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી કલ્પેશ કુંડલીયા અને અશોકસિંહ વાઘેલાએ તંત્રને રજુઆત કરી છે. જો કે, આ રજૂઆતોને કેટલી ધ્યાને લેવામાં આવશે તેના વિશે કઈ ચોક્કસ કહીં શકાય નહીં. રાજકોટ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી કલ્પેશ કુંડલીયા અને કોંગ્રેસ અગ્રણી અશોકસિંહ વાઘેલાએ મહાનગરપાલિકામાં બિરાજમાન ભાજપ પક્ષના સતાધીસો અને અધિકારીઓ રજુઆત કરી હતી.
75 કરોડના ખર્ચે નિર્માણાધીન સાંઢિયા પુલના કામમાં વિલંબ
રજૂઆતમાં રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3ની સરહદને વિભાજિત કરતા જામનગર રોડ ઉપર 75 કરોડના ખર્ચે નિર્માણાધીન સાંઢિયા પુલનો પ્રોજેક્ટ નિયત સમય મર્યાદામાં એટલે કે માર્ચ-2026માં પૂરો થાય તેમ નથી. કારણ કે તંત્રના પાપે એક પછી એક વિક્ષેપ આવતા હોવાથી આ કામગીરીમાં વિલંબ થઇ રહ્યો છે.
સાંઢિયા પુલના કામે સેન્ટ્રલ પોર્શનમાં એટલે કે રેલવે ટ્રેકની બરોબર ઉપરના ભાગે સ્ટીલ ગર્ડર લોન્ચ કરવા રાજકોટ મહાનગરપાલિકાએ અગાઉ રેલવે તંત્ર પાસે મંજૂરી માગી હતી. જે ન મળતા ડિસેમ્બરમાં પુલનું લોકાર્પણ કરવાનું સત્તાધીશોનું સપનું રોળાયું છે.
આપણ વાચો: સાંઢીયો પુલ છે કે માથાનો દુખાવો?
તંત્રની આળસના કારણે રેલવે પાસેથી મંજૂરી લેવામાં જ ના આવી
જો કે, આ પ્રકારની વહીવટી મંજૂરી સમય મર્યાદામાં તંત્રના સત્તાધીશોએ અથવા અધિકારીઓએ લઇ લેવી જોઈએ જેથી પુલની કામગીરી અટકે નહીં પરંતુ આળસુ તંત્રને લીધે રેલવે તંત્ર પાસેથી એક મંજૂરી નહીં મળતા હાલ આ પુલની કામગીરી ખોરંભે ચડી ગઈ છે.
સાંઢિયા પુલનું કામ માર્ચ-2026 સુધીમાં પૂરું કરવાની મુદત છે ત્યારે હવે કામ અટકી ગયું છે અને જ્યાં સુધી રેલવે તંત્રની મંજૂરી ન મળે ત્યાં સુધી આ કામ આગળ ધપી શકે તેમ નથી. આ કામ એ પુલ પ્રોજેક્ટના મહત્ત્વના હિસ્સાનું કામ છે જે અટકી ગયું હોવાથી હવે આ પુલ માર્ચ મહિનામાં પૂર્ણ નહીં જ થાય.
રાજકાટના આ વિસ્તારમાં લોકો થઈ રહ્યાં છે પરેશાન
જામનગર રોડ ઉપર નિર્માણ પામતા સાંઢિયા પુલ સાથે અનેક સોસાયટી, વિસ્તારોમાં વસવાટ કરતા લાખો લોકોને અસર કરતા છે, સાંઢિયા પુલને જોડતા વિસ્તારોની વાત કરીએ તો બજરંગવાડી, પુનિતનગર, વોરા સોસાયટી, મોચીનગર, વાંકાનેર સોસાયટી, લોકો લોકોની તેમજ મુખ્ય એવા રેલનગર વિસ્તારના લાખો લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે.
ભોમેશ્વરમાંથી નીકળે તો ટ્રાફિકજામમાં ફસાઈ જાય છે અને પોપટપરામાંથી નીકળે તો ત્યાં પણ આ જ ટ્રાફિકજામનો સામનો કરવો પડે છે. પુલની કામગીરી ચાલું હોવાના કારણો લોકો પરેશાન થઈ રહ્યાં છે. તેવામાં તંત્ર દ્વારા કેમ આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે.
કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી આ માંગણીઓ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેવી તકેદારી રાખવામાં આવશે? આખરે શા માટે જાહેરહીતના કામોમાં વિલંબ થઈ રહ્યો છે? કરોડ રૂપિયા ખર્ચી નાખવા છતાં પણ જો લોકોનું કામ નથી થઈ રહ્યું તો પછી ખર્ચ કરવાનો શું અર્થ? આ સવાલે સામાન્ય જનતાને પણ થઈ રહ્યાં છે. હવે જોવાનું એ છે કે, આ કામ ક્યારે પૂર્ણ થશે અને લોકોની પરેશાની દૂર થશે.



