વ્યાજના રૂપિયા પડાવવા વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી, પોલીસે 5 આરોપીની ધરપકડ કરી…

રાજકોટઃ રાજકોટમાં વ્યાજખોરોના વ્યાજના વિષચક્રમાં ફસાયેલા વિશાલ વીરડા નામના યુવક પાસે મૂળ રકમ કરતા અનેકગણી રકમ માગવામાં આવતા તે ઘર છોડીને જતો રહ્યો છે. જે અંગે લાપતા વિશાલના ભાઇ પર હુમલો કરવામાં આવતા પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, 1 લાખ રૂપિયાની સામે વ્યાજખોરો દ્વારા 10 કરોડ રૂપિયા માંગવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના કારણે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી કરતા મુખ્ય આરોપી વિજય મકવાણા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
શું હતો આ સમગ્ર મામલો?
ઘટનાની વાત કરવામાં આવે તો, વિશાલ વીરડાએ વિજય મકવાણા અને તેના ભાઈ ભાવેશ મકવાણા પાસેથી રૂપિયા 1 કરોડ વ્યાજે લીધા હતા. જો વ્યાજે લેવામાં આવેલા રૂપિયા અંગે વિશાલના પિતા વિનુભાઈ વીરડાને કોઈ જાણ ના હોવાનું જણાવ્યું હતું. પિતા વિનુભાઈએ કહ્યું કે, એક ચિઠ્ઠી લખીને વિશાલ ઘર છોડીને જતો રહ્યો હતો. ચિઠ્ઠીની વાત કરવામાં આવે તો, વ્યાજખોરો તેને જીવવા દેતા નથી તેવો વિશાલે ઉલ્લેખ કર્યો હતો. આ ચિઠ્ઠીમાં તેણે પરિવારજનોને સંભાળ રાખવાની વિનંતી પણ કરી હતી.
10 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવતા વિશાલ ઘર છોડ્યું
વિશાલના પિતાના કહ્યા પ્રમાણે, એક કરોડ રૂપિયા સામે 40 ટકા વ્યાજ વસૂલવામાં આવી રહ્યું હતું. એટલું જ નહીં પરંતુ 55 લાખ પરત આપ્યા હોવા છતાં, મૂળ રકમ અને વ્યાજ સહિત કુલ 10 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાનું પિતા વિનુભાઈએ જણાવ્યું હતું. 6 નવેમ્બરે વિશાલનો ભાઈ દિલીપભાઈ વીરડા નોકરી પરથી પરત ફરી રહ્યો હતો ત્યારે વાજડી ગામ નજીક તેમની કાર રોકીને ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો.
હુમલાખોરોએ ધમકી આપીને માર માર્યો હતો અને તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ સમગ્ર મામલે મેટોડા પોલીસ મથકમાં એફઆઈઆર નોંધાવી હતી. જેથી પોલીસે કલમ 109 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ મામલે કાર્યવાહી કરતા રાજકોટ પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા અને આગળની તપાસ હાથ ધરી દીધી છે. જો કે, હજી પણ વિશાલની કોઈ ભાળ મળી નથી. તેને શોધવા માટે પણ પોલીસ સતત પ્રયત્ન કરી રહી છે.



