રાજકોટ

જીત પાબારી આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ શરૂ; ડિપ્રેશન, દુષ્કર્મ કેસ કે ધંધો? તપાસમાં થશે નવા ખુલાસા

રાજકોટ : નામાંકિત ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા 30 વર્ષીય જીત પાબારીએ આજે આત્મહત્યા કરી લીધી હોવાના અહેવાલો મળ્યાં છે. રાજકોટના કાલાવડ રોડ નજીક હરીહર સોસાયટી ખાતે આવેલા પોતાના કૃષ્ણ સિંધુ નામના ઘર ખાતે સવારના 09:00 વાગ્યે આસપાસ ગળાફાંસો ખાધો હતો. જીત પાબારીને બેભાન હાલતમાં રાજકોટ શહેરની વોકહાર્ટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. અહીં તબીબો દ્વારા જીતને મરણ ગયેલ જાહેર કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા એમએલસી જાહેર કરવામાં આવતાં માલવીયા નગર પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે તેમજ મૃતક જીત પાબારીના ઘર ખાતે દોડી ગયો હતો.

પોલીસ દ્વારા જીત પાબારીના ઘર ખાતે તપાસ હાથ ધરવામાં આવી

આ સમગ્ર બનાવ સંદર્ભે માલવિયા નગર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસએસની કલમ 194 મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જીત પાબારીના ઘર ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ પ્રાથમિક તપાસમાં કોઈ સ્યુસાઇડ નોટ નથી મળી આવી, તેમજ જીત પાબારીનો મોબાઈલ ફોન પણ મળ્યો નથી. જેથી આ આત્મહત્યા છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે પોલીસ દ્વારા દરેક દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

આખરે શું હતી સમગ્ર ઘટના?

ઘટનાની વાત કરવામાં આવે તો, જીત પાબારીની પત્ની તેમજ માતા બંને કામકાજ કરી રહ્યા હતા. ત્યારે સવારના 11:00 વાગ્યા આસપાસ જીતની પત્ની ઘરના પ્રથમ માળે ગઈ હતી. જોકે બારણું અંદરથી બંધ જણાઈ આવ્યું હતું. તેમજ ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવતા જીત ગળાફાંસો ખાધેલી હાલતમાં જણાઈ આવ્યો હતો. જેથી તાત્કાલિક અસરથી તેને વોકહાર્ટ હોસ્પિટલ ખાતે બેભાન હાલતમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સવારના 11:30 આસપાસ તેને તબીબ દ્વારા મરણ ગયેલ જાહેર કરવામાં આવ્યો હતો.

ઈમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાયમાં હતો જીત પાબારી

પોલીસની પ્રાથમિક તપાસમાં જીત ઈમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. તેમજ એક વર્ષ પૂર્વે તેના લગ્ન પણ થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા તપાસ સંદર્ભે મૃતકના પરિવારજનોના નિવેદન પણ નોંધવામાં આવશે. તેમજ મૃતકના મોબાઈલ નંબરની કોલ ડિટેલ્સ પણ મેળવવામાં આવશે. કયા કારણોસર જીત પાબારીએ આત્મહત્યા કરી છે? તે બાબતે તપાસ હાથ ધરવામાં આવશે. મૃતકના પરિવારજન દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર જીત છેલ્લા બે માસથી ડિપ્રેશનમાં હોવાથી દવાઓ પણ લેતો હતો.

એક વર્ષ અગાઉ દુષ્કર્મનો કેસ થયેલો છે

જીત વિરુદ્ધ એક વર્ષ અગાઉ તેની પૂર્વ મંગેતર દ્વારા દુષ્કર્મ સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત જીતને હાઇકોર્ટમાંથી આગોતરા જામીન પણ મંજૂર થયા હતા. તપાસ સંદર્ભે પોલીસ દ્વારા જરૂરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. તેમજ જીતનું પણ નિવેદન નોંધીને દાખલ થયેલ ગુના અંતર્ગત ચાર્જશીટ પણ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવી હતી. જે કેસ હાલ કોર્ટમાં પેન્ડિંગ છે.

FSLની હાજરીમાં રૂમની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવશે

એસીપી બીજે ચૌધરી દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, હાલના તબક્કે આત્મહત્યા અંગે કોઈ કારણ સામે નથી આવ્યું. જીત દ્વારા પોતાના બેડરૂમમાં આવેલી લોખંડની ગ્રીલ સાથે નાયલોનની દોરી બાંધી ગળાફાંસો ખાઈ લેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હાલ બનાવવાળા બેડરૂમને બંધ કરવામાં આવ્યો છે. તેમજ ગુરૂવારના રોજ એફએસએલ ની હાજરીમાં રૂમને ખોલીને ઝીણવટ ભરી રીતે તપાસ કરવામાં આવશે. તેમજ રૂમમાંથી બનાવ સંદર્ભે કોઈ ચીજ વસ્તુ કે કોઈ લખાણ મળી આવે છે કે કેમ તે જોવું રહેશે.

આપણ વાંચો:  રાજકોટ મનપાનું ‘વેરા વસૂલાત મિશન’, લક્ષ્યાંક પૂરો કરવા શરૂ કર્યું આ કામ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button