દૂષિત પાણી-ફૂડને લઈ રાજકોટમાં આરોગ્ય વિભાગ એક્શનમાંઃ પાણીપુરીવાળા પર તવાઈ

પાણીના નમૂના લેબોરેટરીમાં મોકલાયા, લાઇસન્સ વગર વેચાણ કરતા એકમને નોટિસ
રાજકોટઃ રાજકોટ શહેરમાં ખાણી-પીણીની શુદ્ધતાને જાળવી રાખવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લોકોને પાણીપુરી ખાવાનો ખૂબ જ શોખ છે. એટલા માટે તેનું વેચાણ પણ ધૂમ થાય છે, પરંતુ આ દરમિયાન પાણીપુરી વેચતા લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે કે કેમ? તે એક પ્રશ્ન છે. જેથી રાજકોટ મનપા દ્વારા શહેરમાં પાણીપુરીના કુલ 35 જેટલા ધંધાર્થીઓને ત્યાં ઓચિંતાનું ચેકિંગ કરવામાં આવ્યું છે. આ ચેકિંગ દરમિયાન મનપા દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે.
મસાલા અને પાણીની ગુણવત્તાની કી તપાસ
આ તપાસ દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓએ માત્ર સ્વચ્છતા જ નહીં, પરંતુ પાણીપુરીમાં વપરાતા મસાલા અને પાણીની ગુણવત્તાની પણ ઝીણવટભરી તપાસ કરી હતી. પાણીપુરીવાળા દ્વારા મીઠું, તીખું, જીરૂં અને લસણવાળા પાણી બનાવવામાં આવે છે તેના નમૂના પણ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને તપાસ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જો નમૂનાઓમાં કોઇ હાનિકારણ તત્વો કે પછી અખાદ્ય રંગો હોવાનું સાબિત થશે તો તે ધંધાર્થી સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : ગાંધીનગરમાં આરોગ્યની સ્થિતિ જોઈ અમદાવાદ મનપા પાણીપુરીની લારીઓ પર તૂટી પડી
ધંધાર્થીઓ નિયમોને કડક રીતે પાલન કરે તેવા નિર્દેશ
આરોગ્ય વિભાગ દ્વારા માત્ર ગુણવત્તા જ નહીં પરંતુ વહીવટી નિયમોના પાલનનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ધંધાર્થીઓ નિયમોને કડક રીતે પાલન કરે તેવા નિર્દેશ પણ આપવામાં આવ્યાં છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી તેમાંથી કેટલાક ધંધાર્થીઓ પાસે જરૂરી દસ્તાવેજો ના હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા 8 ધંધાર્થીને ફૂડ લાઇસન્સ બાબતે નોટિસ પણ આપવામાં આવી છે. યોગ્ય લાઇસન્સ વગર વેચાણ કરતા અને હાઇજીન જાળવવામાં નિષ્ફળ રહેલા એકમો પર તંત્ર દ્વારા ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.



