શોકિંગઃ રાજકોટમાં વૃદ્ધ દંપતીએ સજોડે જીવનલીલા સંકેલી, સ્યુસાઈડ નોટમાં ખુલાસો…

રાજકોટઃ રાજકોટ શહેરમાં વૃદ્ધ દંપતીએ સજોડે આપઘાત કર્યો ચોંકાવનારી ઘટના જાણવા મળી છે. શહેરના યુનિવર્સિટી રોડ પર રહેતા અને મનપામાં ડેપ્યુટી એન્જિનિયર પદેથી નિવૃત થયેલા 70 વર્ષીય વૃદ્ધ રાજેન્દ્રભાઈ લખતરીયા અને તેમના પત્ની પન્નાબેનએ સાથે મળી શનિવારે મોડી રાતે ઝેરી દવા પી લીધી હતી. આ મામલે દીકરીને જાણ થઈ જ્યારે વૃદ્ધ દંપતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. આ દરમિયાન રાજેન્દ્રભાઈએ દમ તોડી દીધો હતો. આ કેસમાં યુનિવર્સિટી પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
વૃદ્ધ દંપતીએ મોડીરાત્રે ઝેરી દવા પી લીધી હતી
યુનિવર્સિટી પોલીસને જાણ થતાં પોલીસે મૃદતહેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. રાજેન્દ્રભાઈના મોતના બે કલાક બાદ પન્નાબેનનું પણ મોત નીપજતાં પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો હતો. પોલીસ દ્વારા વૃદ્ધ દંપતીના ઘરે તપાસ કરવામાં આવી ત્યારે ઘરેથી આપઘાત પહેલા લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. આ સ્યુસાઈડ નોટમાં બીમારીથી કંટાળી પગલુ ભર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી દેવામાં આવી છે.
દંપતીએ સ્યુસાઈડ નોટમાં બીમારીનો ઉલ્લેખ કર્યો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, વૃદ્ધ દંપતીએ સુસાઇડ નોટમાં કોઈ બીમારોનો ઉલ્લેખ કર્યો છે. સ્યુસાઈડ નોટમાં લખ્યું કે, અમે બન્ને પતિ-પત્નીએ બધું સુખ જોઈ લીધું છે. દીકરો અને દીકરી પણ અમને સારી રીતે રાખ્યા છે. અમારી ઉપર કોઈ દેણું પણ થયેલું નથી. પરિવારના સભ્યોથી પણ અમે ખુબ સંતુષ્ટ છીએ, માત્ર બીમારીથી અમે હવે કંટાળી ગયા છીએ અને બીમારીના કારણે કંટાળી આપઘાત કરી રહ્યા છીએ’. આ આત્મહત્યા કેસમાં યુનિવર્સિટી પોલીસે દ્વારા તપાસ અને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
આ હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો
આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે, પરંતુ તમને જણાવી દઈએ કે, આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી. તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તમે તમારા મિત્રો કે પરિવારને વાત કરીને તેનું સમાધાન લાવી શકો છે. જીવન ખૂબ જ કિંમતી છે.
જો તમે પરિવાર કે મિત્રોને જાણ કરવા નથીં માંગતો તો ગુજરાત સરકાર દ્વારા ‘જીવન આસ્થા’ – આત્મહત્યાની વૃત્તિઓ, તણાવ અને ચિંતાઓ જેવી સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોને મદદ કરવા માટે નવી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ નંબર ૧૮૦૦૨૩૩૩૩૦ પર તમે કોલ કરી શકો છો.



