રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ; દીકરા-દીકરીએ જ કરી પિતાની હત્યા, શું હતું હત્યાનું કારણ…
રાજકોટ

રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ; દીકરા-દીકરીએ જ કરી પિતાની હત્યા, શું હતું હત્યાનું કારણ…

રાજકોટઃ લોકોમાં અત્યારે સહનશક્તિ ઓછી થઈ રહી છે. નાની-નાની વાતોમાં લોકોને ખોટૂં લાગી જાય છે. ખાસ કરીને અત્યારની પેઢીમાં આ સમસ્યા જોવા મળી રહી છે. એવી અનેક ઘટનાઓ છેલ્લા 5 વર્ષમાં બની છે તેમાં નાની વાતમાં આત્મહત્યા અને હત્યા કરવામાં આવી હોય! આવી જ એક ઘટના રાજકોટમાંથી પ્રકાશમાં આવી છે. રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાતાં ચકચાર મચી ગઈ છે.

પિતાની હત્યામાં થયો ચોંકાવનારો ખુલાસો

રાજકોટ નજીકના સણોસરા ગામે એક પુત્રી અને સગીર પુત્રે પોતાના પિતાની જ હત્યા નિપજાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. આ ઘટનાને લઈને પંથકમાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. મળતી વિગતો પ્રમાણે માનસિક બીમારીથી પીડાતા સુમાભાઈ મેડા વારંવાર ભાગી જતાં અને પરિવારને ત્રાસ આપતા હતા. આથી દીકરી અને દીકરાએ મળીને પિતાને વૃક્ષ સાથે બાંધી લાકડીઓ વડે માર માર્યો હતો, જેના કારણે સુમાભાઈનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

પુત્રી અને સગીર દીકરાએ ગુનાની કબૂલાત કરી

આ મામલે મૃતકના કાકા બકુલભાઈ મેડાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા, કુવાડવા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. તપાસ દરમિયાન પુત્રી અને સગીર દીકરાએ ગુનો કબૂલ કરતા પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ અંગે એસીપી બી.વી. જાધવે જણાવ્યું કે, પોલીસે તકેદારીપૂર્વક તપાસ કરી અને પિતાની હત્યા પાછળના કુટુંબીય કારણો સ્પષ્ટ થયા છે. આરોપી દીકરી અને સગીર દીકરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે બંને સામે હત્યાના ગુનાની કલમ હેઠળ ગુનો દાખલ કરી જેલહવાલે કર્યા છે.

આ પણ વાંચો…રાજકોટમાં ત્રિપલ મર્ડર કેસમાં બે આરોપીની ધરપકડ: વાહન ચલાવવા જેવા ઠપકામાં ખેલાયો હતો ખૂની ખેલ…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button