રાજકોટમાં સિટી બસ મુદ્દે કોંગ્રેસ આકરાપાણીએ, કમિશનર કચેરીમાં કર્યો હલ્લાબોલ

રાજકોટઃ શહેરમાં સિટી બસના ડ્રાયવરોની હડતાળ અને ગરમીના કારણે સેવા બંધ કરવામાં આવી હોવાથી શહેરીજનોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કમિશનર કચેરીમાં હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના સ્થાનિક નેતાઓના કહેવા પ્રમાણે, શહેરમાં 224 સિટી બસ છે. તેમાં 124 સીએનજી અન ઈલેક્ટ્રિક બસ હતી. 2022-23માં 17 કરોડ અને 2023-24માં 20 કરોડ અને 2024-25માં 28.38 કરોડની ખોટ દર્શાવી છે. હાલ શહેરમાં 126 સિટી બસ બંધ છે, આ બંધ પડેલી બસ ક્યારે શર કરવામાં આવશે તેવી માંગ સાથે કોંગ્રેસના 50 જેટલા આગેવાનો મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે ધસી ગયા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો.

ખોટમાં ચાલતી સિટી બસના ભ્રષ્ટાચારીઓને કડક સજા કરો સહિતના સૂત્રોચ્ચાર સાથે કમિશનર કચેરી ગજવી મુકી હતી. ઉપરાંત કમિશનરને આવેદનપત્રની સાથે રમકડાની બસો પણ અર્પણ કરી હતી. કમિશનર ટેબલ પાસે બસો મુકવામાં આવતાં પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી.