
રાજકોટ: જુલાઈ 2024માં અમદાવાદ ATS દ્વારા રાજકોટ ખાતે દેશવિરોધી પ્રવૃત્તિ કરી રહેલા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્શો પાસેથી પુરાવા રૂપે દેશવિરોધી પ્રવૃત્તિઓનું સાહિત્ય પણ મળી આવ્યું હતું. જેના આધારે તેઓની સામે ચાર્જશીટ ફાઈલ કરીને રાજકોટની સેસન્સ કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. આ કેસની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય આતંકીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
અલ–કાયદાનો પ્રચાર કરતા હતા ત્રણ યુવાનો
રાજકોટની સોનીબજારમાં મજૂરીકામ કરતા અમન સિરાજ મલિક (ઉં.વ.23), અબ્દુલ શકુરઅલી શેખ (ઉં.વ.20) અને સૈફ નવાઝ અબુ શાહીદ (ઉં.વ.23) નામના ત્રણ યુવાનો મસ્જિદમાંથી દેશવિરોધી જેહાદી પ્રચાર કરે છે. એવી બાતમી અમદાવાદ ATSને મળી હતી. જેના આધારે અમદાવાદ ATSએ ત્રણેય યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. અમદાવાદ ATSએ ચોક્કસ બાતમીના આધારે, અબ્દુલ શકુરઅલી શેખ અને અમન સિરાજ મલિકને રાજકોટ રેલવે સ્ટેશન પાસેથી પકડી પાડ્યો હતો. અબ્દુલ શકુરઅલી શેખ પાસેથી એક પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતા. આરોપીઓના મોબાઈલ ફોનમાંથી ‘રાહ-એ-હિદાયત’ નામના ગ્રુપની દેશવિરોધી પ્રવૃત્તિઓની વિગતો અને મુસ્લિમ સાહિત્યનો ઉપયોગ કરીને દેશવિરોધી પ્રચાર કરતા વ્હોટ્સએપ ચેટિંગના પુરાવા મળ્યા હતા. ત્રીજા આરોપી સૈફ નવાઝ એબુ શાહીદના ઘરેથી પણ દેશવિરોધી પ્રવૃત્તિનું સાહિત્ય જપ્ત થયું હતું.
રાજકોટ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલની દલીલ
અદકાયદાનો પ્રચાર કરતા આ ત્રણેય આરોપીઓ સામે રાજકોટ સેશન્સ કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. જેની આજે સુનાવણી કરવામાં આવી હતી. સરકાર તરફથી જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ કોર્ટમાં જોરદાર દલીલો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મોબાઈલ ચેટિંગ સ્પષ્ટપણે દર્શાવે છે કે, આરોપીઓ મુસ્લિમ સમાજના ચોક્કસ વર્ગને દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરી રહ્યા હતા. આરોપીઓએ પોતાના બચાવ કરતા કહ્યું હતું કે, તેઓ મસ્જિદમાંથી દેશવિરોધી પ્રચાર કરતા નહોતા. પરંતુ સરકારી વકીલે ઊલટતપાસમાં સાબિત કર્યું કે, બચાવપક્ષના સાક્ષીઓ દિવસ દરમિયાન માત્ર 15-20 મિનિટ માટે જ મસ્જિદમાં જતા હતા. તેથી આરોપીઓની આખો દિવસની પ્રવૃત્તિઓ વિશે તેમને કોઈ જાણકારી ન હતી. સરકારી વકીલે ભારપૂર્વક જણાવ્યું કે, આરોપીઓના માનસ પર જેહાદી વિચારસરણી લાદી દેવામાં આવી છે. જો તેમને ઓછી સજા કરવામાં આવે, તો જેલમાંથી છૂટ્યા બાદ ત્રાસવાદી સંગઠનો દ્વારા તેમનો ઉપયોગ વધુ ગંભીર ગુનાઓ માટે થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, કોર્ટે તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને, આ ત્રણેય આરોપીઓને દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે જવાબદાર ઠેરવીને તેમને અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા તથા રૂ. 10,000નો દંડ ફટકાર્યો છે.
આપણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે સબ-ઇન્સ્પેક્ટર પરીક્ષાના પરિણામને પડકારતી અરજી ફગાવી