રાજકોટ એરપોર્ટના કર્મચારીએ પોસ્ટનો કર્યો દુરુપયોગ, બે યાત્રીની ઠગાઈના કેસમાં પોલીસે ઝડપ્યો

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યાત્રીઓની બેગમાંથી ઘરેણાં અને રોકડની ચોરીની ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્ન ઉભા કર્યા છે. આ કેસમાં એરપોર્ટના જ કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીની સંડોવણીનો ઘટસ્પોટ થયો છે, જે યાત્રીઓના વિશ્વાસને ઠેસ પહોંચાડે છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો અને ચોરીનો માલ કબજે કર્યો.
સૂત્રોની જાણકારી પ્રમાણે ઝોન-1 લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) પોલીસે 28 વર્ષીય આરોપી જયરાજ ખચરને ઝડપી પાડ્યો અને તેની પાસેથી ચોરીની વસ્તુઓ કબજે કરી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે, ઓક્ટોબરમાં તેણે બે વખચ ચોરીઓ કરી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, 12 ઓક્ટોબરે તેણે એક ફરિયાદીની બેગમાંથી ઘરેણાં અને રોકડ ચોરી કર્યા હતા, જ્યારે 26 ઓક્ટોબરે બીજા યાત્રીની બેગમાંથી 85,000 રૂપિયા ચોર્યા. હાલ તે એલસીબી કસ્ટડીમાં છે અને વધુ તપાસ માટે એરપોર્ટ પોલીસને સોંપાશે.
આ પણ વાંચો: રાજકોટ જૂના એરપોર્ટની જમીન વેંચીને તંત્ર કરશે 2500 કરોડની તગડી આવક
જયરાજ ખચર પાંચ વર્ષથી એરપોર્ટ પર ઇલેક્ટ્રિકલ મેઇન્ટેનન્સ ટેક્નિશિયન તરીકે કામ કરતો હતો અને તેની જવાબદારીમાં સીસીટીવી સિસ્ટમનું સંચાલન પણ હતું. પોલીસ અનુસાર, તેણે ચોરી કરતી વખતે સીસીટીવી કેમેરા બંધ કરી દીધા હતા જેથી તેનું કાવતરું કેમેરામાં કેદ ન થાય. આ રીતે તેણે પોતાની પોઝિશનનો દુરુપયોગ કરીને યાત્રીઓને નુકસાન પહોંચાડ્યું, જે એરપોર્ટની આંતરિક સુરક્ષા પર પ્રશ્ન ઉભા કરે છે.
પોલીસે ચોરીનો માલ પરત મેળવી લીધો છે અને આરોપીને કસ્ટડીમાં રાખ્યો છે. વધુ તપાસમાં અન્ય વિગતો સામે આવી શકે છે. આ ઘટના એરપોર્ટ જેવા વિસ્તારોમાં કર્મચારીઓની સ્ક્રીનિંગ અને સીસીટીવીની સતત મોનિટરિંગની જરૂરિયાત દર્શાવે છે, જેથી યાત્રીઓની સુરક્ષા અને વિશ્વાસ જળવાઈ રહે.



