ટોપ ન્યૂઝરાજકોટ

રાજકોટમાં રેલમ છેલ: બે કલાકમાં અઢી ઇંચ પાણી વરસ્યું

રાજકોટ: ગુજરાતમાં ભરઉનાળે છૂટાછવાયા વરસાદ બાદ હવે રાજ્ય પર સંભવિત વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 50-70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે રાજકોટ, પોરબંદર, અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેરમાં ગોંડલ ચોકડી, યાજ્ઞિક રોડ, રેસકોર્સ, કાલાવડ અને યુનિવર્સિટી રોડ પર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવન ફૂંકાવાને કારણે શહેરમાં હોર્ડિંગ પણ ધરાશાયી થયું હતું.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી પલળી ગઈ

તે ઉપરાંત રાજકોટ જિલ્લાના ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન જોવા મળ્યો હતો, જેના પરિણામે ગોંડલ સિવિલ હોસ્પિટલ પરિસરમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ‘મિની વાવાઝોડા’ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યાં છાપરા નીચે રાખવામાં આવેલી ડુંગળી પલળી ગઈ હતી અને જણસ પર ઢાંકેલી તાડપત્રીઓ પણ ઉડી ગઈ હતી, જેનાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે.

સૌથી વધુ રાજકોટ શહેરમાં 2.6 ઈંચ વરસાદ

આજે રાજ્યમાં પડેલા વરસાદના આંકડાઓ જોવામાં આવે તો સાંજે 6 થી 8 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન 10 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ રાજકોટ શહેરમાં 2.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. તે ઉપરાંત કુંકાવાવ-વડિયામાં 48 મિમી, જામજોધપુરમાં 25 મિમી, ગોંડલમાં 18 મિમી, રાણાવાવમાં 17 મિમી, ભેંસાણમાં 17 મિમી, લોધિકામાં 13 મિમી, વઢવાણમાં 04 મિમી, સાયલામાં 04 મિમી અને જેતપુરમાં 01 મિમી વરસાદ નોંધાયો હતો.

ભારે પવનના કારણે કથાના ડોમને નુકસાન

આ દરમિયાન રાજકોટના માલિયાસણ ગામે ચાલી રહેલી કથાકાર જીગ્નેશ દાદાની કથામાં પણ કમોસમી વરસાદે ભંગ પાડ્યો હતો. ભારે પવન અને વરસાદના કારણે કથાના ડોમને ભારે નુકસાન પહોંચ્યું હતું, જ્યાં ડોમ બેસી ગયો હતો અને પડદા પણ ફાટી ગયા હતા. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.

પશુધનના રક્ષણ માટે સરકારે મહત્વપૂર્ણ પગલાં સૂચવ્યા

આ સંભવિત વાવાઝોડા અને અતિવૃષ્ટિની સ્થિતિમાં પશુધનના રક્ષણ માટે સરકારે મહત્વપૂર્ણ પગલાં સૂચવ્યા છે. પશુધન માલિકોને ટીવી, રેડિયો અને સરકારી માધ્યમોથી મળતી સૂચનાઓનું પાલન કરવા, પશુચિકિત્સકોના ફોન નંબર હાથવગા રાખવા, પશુઓને સલામત સ્થળે ખસેડવા, સૂકાચારા અને સ્વચ્છ પાણીનો સંગ્રહ કરવા, અને વીજળીના થાંભલા કે ઝાડ નીચે પશુઓને ન બાંધવા જેવા નિર્દેશો આપવામાં આવ્યા છે. વાવાઝોડા બાદ બીમાર પશુઓની તાત્કાલિક સારવાર, ચેપી રોગચાળાની જાણ, અને મૃત પશુઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની પણ સૂચના અપાઈ છે.

આ પણ વાંચો…સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે આફત સર્જી: ગોંડલ યાર્ડમાં માલસામાનને નુકસાન, વીજળી પડવાથી પશુધનને મોટું નુકસાન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button