પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે એક સપ્તાહની રાહત આપી

રાજકોટઃ ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ ગઈકાલે જૂનાગઢ જેલમાં આત્મસમર્પણ કરવા માટે જવાના હતા. પરંતુ આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે સુપ્રીમ કોર્ટ દ્વારા અનિરૂદ્ધસિંહ જાડેજાને એક સપ્તાહની રાહત આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરેન્ડર કરવાના અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટ દ્વારા અનિરૂદ્ધસિંહને રાહત આપવામાં આવી છે.
પહેલા સુપ્રીમ કોર્ટે 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવા કહ્યું હતું
આ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્ય સરકારના સજા માફીના નિર્ણયને રદ્દ કરી દીધો હતો. જેથી 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આદેશ બાદ અનિરૂદ્ધસિંહ જાડેજા આજે આત્મસમર્પણ કરવા માટે જવાના પણ હતાં. પરંતુ હવે એક અઠવાડિયા સુધીની રાહત આપવામાં આવી છે. એક સપ્તાહ પછી અનિરૂદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કરવું પડશે.
કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની કરી હતી હત્યા
કેસની વાત કરવામાં આવે તો, ગોંડલમાં 1988માં 15મી ઓગસ્ટે ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં અનિરૂદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ હુકમ સામે અનિરૂદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં લીવ પીટીશન કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ રાહત આપવામાં આવી નહોતી. સુપ્રીમ કોર્ટમાં કરેલી પિટિશન બાદ પણ કોઇ રાહત ન મળતાં અંતે તેમણે સરેન્ડર કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
અમિત ખૂંટ આત્મહત્યાકાંડમાં કેસમાં પણ તપાસ થશે
હત્યા કેસ સાથે અનિરુદ્ધસિંહ જાડેજા સામે રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યાકાંડમાં પણ કાયદાકીય ગાળિયો કસાયો હતો. આ કેસમાં પણ તેમની ધરપકડનો ભય છે અને જૂનાગઢ જેલમાંથી જ ટ્રાન્સફર વોરંટ દ્વારા રાજકોટ પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ચર્ચા છે. અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડરથી ગોંડલ અને રાજકોટ પંથકના રાજકારણ ફરી એકવાર ગરમાવો જોવા મળ્યો હતો.