ગુજરાતમાં વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશઃ હજારો રોકાણકારોની બચત જોખમમાં મૂકાઈ…

રાજકોટ: થોડા સમય પહેલા ગુજરાતના બનાસકાંઠામાં એકના ડબ્બલના નામે ચાલતી સ્કીમનો પર્દાફાશ થયો હતો. આ ઘટના બાદ ગુજરાતમા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે ગુજરાત સૌરાષ્ટ્રના રાજકોટમાં આવી જ એક નવી પોન્ઝી સ્કીમનું કૌભાંડ સામે આવ્યુ છે. જેમાં હજારો લોકોની બચતને જોખમમાં મૂકી દીધી છે. રિસેટ વેલ અને મની પ્લાન્ટ ઈન્વેસ્ટમેન્ટ જેવી કંપનીઓએ ઊંચા વળતરની લાલચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયા એકત્ર કર્યા હતા. આ ઘટનાને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.
રિસેટ વેલ કંપનીએ લગભગ મહિને 4-5 ટકા વળતરનું વચન આપી 5,000થી 7,000 લોકો પાસેથી 500 કરોડ રૂપિયાનું ભંડોળ એકઠું કર્યું હતું. સારા વળતરની લાલાચમાં રોકાણકારોએ 5 લાખથી 50 લાખ સુધીની રકમ આપી હતી. ફેબ્રુઆરી 2025થી વળતર બંધ થતાં લોકો પોલીસ કમિશનર કચેરીએ ફરિયાદ લઈ પહોંચ્યા હતા. જ્યારે મની પ્લાન્ટ ઈન્વેસ્ટમેન્ટે મહિને 15 ટકા વળતરની લાલચે 20 કરોડથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
પોન્ઝી સ્કીમ એક એવી રોકાણ સ્કીમ છે, જેમાં નવા રોકાણકારોના નાણાંથી જૂના રોકાણકારોને વળતર ચૂકવવામાં આવે છે. શરૂઆતમાં થોડા મહિના વળતર આપી વિશ્વાસ જીતવામાં આવે છે, પરંતુ નવા રોકાણો ઘટે એટલે સ્કીમ પડી ભાંગે છે. ઉલ્લેખનીય છે કે મની પ્લાન્ટ કંપનીના સંચાલકોએ ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા, જ્યારે રિસેટ વેલની એપ્લિકેશન 2017થી કાર્યરત હતી.
આ ઘટના પછી વધારે વ્યાજની લાલચ રાખનારા રોકાણકારોને ખાસ સાવધ રહેવાનું શીખવ્યું છે. પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે. નિષ્ણાતો રોકાણ પહેલાં કંપનીની વિગતો અને નિયમનકારી મંજૂરીઓ તપાસવાની સલાહ આપે છે. આવા કૌભાંડો ગુજરાતમાં વધતા જતા હોવાથી, સરકારે પણ નિયંત્રણો વધુ કડક કરવાની જરૂર છે.