રાજકોટ

વડાપ્રધાન મોદીને રાજકોટમાં બે રેન્જ IG, 11 DCP સહિત 4500 પોલીસનું સુરક્ષા ક્વચ

રાજકોટઃ રાજકોટમાં આગામી તારીખ 11 જાન્યુઆરી અને 12 જાન્યુઆરીના સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલની વાયબ્રન્ટ સમીટ યોજાવા જઈ રહી છે. મારવાડી યુનિવર્સિટીમાં યોજાનાર વાયબ્રન્ટ સમીટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. તેમની સુરક્ષા માટે ગૃહ વિભાગની સાથે રાજકોટ શહેર પોલીસે પણ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે. વડાપ્રધાનની સુરક્ષામાં બે રેન્જ આઈજી, 11 ડિસીપી સહિત 4500 પોલીસનું સુરક્ષા ક્વચ રહેશે.

રાજકોટ શહેર પોલીસે પણ તૈયારીઓનો ધમધમાટ શરૂ

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, વાઈબ્રન્ટ સમીટમાં વડાપ્રધાનની સાથે સાથે દેશ-વિદેશના ટોચના ઉદ્યોગતિઓ, કેન્દ્રીય-રાજયના પ્રધાનો, મોટી કંપનીઓના સી.ઈ.ઓ. રાજકોટની મુલાકાતે પધારનાર હોય અને શહેરમાં જ રાત્રિ રોકાણ કરવાના છે. આ સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદી અને અસમાજિક તત્વો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી સુરક્ષામાં અવરોધ ન કરે તે માટે ગૃહ વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : વડાપ્રધાનના ગુજરાત પ્રવાસના પગલે પોલીસકર્મીઓની રજાઓ રદ્દ, 7થી 12 જાન્યુઆરી સુધી ફરજપરસ્ત રહેવા આદેશ

વાઈબ્રન્ટ સમીટના આયોજનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન અને બે દિવસ ચાલનાર વાઈબ્રન્ટ સમીટના આયોજનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં રાજકોટ રેન્જ આઈજી અને બોર્ડર રેન્જ આઈજીમાં માર્ગદર્શન હેઠળ 11 ડીસીપી 30 એસીપી, 90 પીઆઈ, 235 પીએસઆઈ, 2560 પોલીસમેન અને સાથે હોમગાર્ડ, ટીઆરબીના જવાનો પણ સુરક્ષામાં ખડેપગે રહેશે. ઉપરાંત એસઆરપીની 3 કંપનીના 210 જવાનો પણ પણ સુરક્ષા વ્યવસ્થામાં સાથે રહેશે.

વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી જેમના શિરે છે તે એસપીજી કમાન્ડોની ટીમ રાજકોટ આવી પહોંચી હતી. તેઓએ વાઈબ્રન્ટ સમીટ જ્યાં યોજાનાર છે તે મારવાડી યુનિવર્સિટી પર સર્ચ કરી તપાસ કરી હતી. તે ઉપરાંત એરપોર્ટ, સીવીલ હોસ્પિટલ, સર્કીટ હાઉસ પર પણ તપાસ કરી સુરક્ષાની સમીક્ષા કરશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button