રાજકોટમાં મધરાતે 15થી વધુ અસમાજિક તત્વોએ મચાવ્યો આતંક, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ

રાજકોટઃ રાજકોટમાં અસમાજિક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે. ફરી એકવાર રાજકોટમાં મોડી રાત્રે તોડફોડ થઈ હોવાનો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટમાં મધરાતે નહેરૂનગર વિસ્તારમાં આવેલી ફૌજી હોટલમાં 15થી વધુ લુખ્ખા તત્વોએ તલવાર-પાઈપથી તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. આ અસમાજિક તત્વોએ સોડા બોટલ વડે છૂટા ઘા પણ કર્યા હતા, જેના કારણે બે લોકોને ઈજાઓ પણ થઈ હતી. આ સમગ્ર મામલે પોલીસે સીસીટીવી વીડિયોના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
મકાન ખાલી કરવા જેવી બાબતે તલવાર-પાઈપથી આતંક મચાવ્યો
રાજકોટ શહેરમાં નજીવી બાબતે અસામાજિક તત્વો નિર્દોષ લોકોને હેરાન પરેશાન કરતા રહે છે. ગત રવિવારની રાત્રે રાજકોટમાં ફરી આવી ઘટના જોવા મળી હતી. આ મામલે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નહેરુનગર વિસ્તારમાં કેટલાક અસમાજિક તત્વો દ્વારા મકાન ખાલી કરવા જેવી નજીવી બાબતે ફૌજી હોટલમાં તોડફોડ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યો અને સ્થિતિ શાંત કરવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો.
આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા સ્થાનિકોએ કરી માંગ
આખરે શા માટે રાજકોટમાં આવા લોકોને પોલીસનો ડર નથી? રાજકોટ પોલીસની કામગીરીને પર સ્થાનિકો સવાલ કરી રહ્યાં છે. શહેરના નિર્દોષ લોકોને રંજાડતા અસામાજિક તત્વો ઉપર પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરી તોડફોડની ઘટના સામલે અસમાજિક તત્વોનું નહેરુનગર વિસ્તારમાં સરઘસ કાઢે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે. હાલ સમગ્ર ઘટના સીસીટીવી પણ સામે આવતા ગાંધીગ્રામ પોલીસ દ્વાર વિસ્તારમાં અરાજકતા ફેલાવી પોલીસને પડકાર ફેંકતા લોકોને પકડવા ચક્રો ગતિમાન કર્યો છે. આરોપીઓને ઝડપી પાડીને તેમની સામે કાયદાકીય પગલા લેવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું છે.
શહેરમાં પોલીસની કામગીરી પર લોકોએ કર્યા સવાલ
રાજકોટમાં છાશવારે આવી તોડફોડની ઘટનાઓ બનતી હોય છે. શહેરમાં પોલીસની કામગીરી પર સવાલ થઈ રહ્યાં છે. આખરે શા માટે અહીના અસામાજિક તત્વોમાં કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર નથી. અસામાજિક તત્વો વારંવાર શહેરના લોકોને પરેશાન કરતા હોય છે, તેમ છતાં પોલીસ દ્વારા કોઈ નકર કાર્યવાહી કરવામાં આવતી નથી. અત્યારે ફરી એકવાર સ્થાનિકોએ માંગણી કરી છે કે, આવા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને તેમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે! હવે જોવાનું એ રહે છે કે, કેટલા દિવસ બાદ પોલીસ આરોપીઓની ધરપકડ કરે છે?