હવે રાજકોટમાં મેગા ડિમોલિશનઃ મોરબી રોડ ઉપર હટાવાયા અતિક્રમણો
રાજકોટ: ગુજરાતમાં હાલ મેગા ડિમોલિશન કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે રાજકોટ શહેર પૂર્વના વિસ્તારમાં મોરબી રોડ ઉપર ગેરકાયદે અતિક્રમણો પર બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી રોડ પરના જૂના જકાતનાકા તરફના મોરબી રોડ પરની સરકારી ખરાબાની જમીન પર થયેલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
મોરબી રોડ પર કાર્યવાહી
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરના પૂર્વ વિસ્તાર મોરબી રોડ પર ગ્રીનલેન્ડ ચોકડીથી જૂના જકાતનાકા તરફ જતાં રાજકોટ-મોરબી હાઇ-વે ઉપર આવેલ રેવન્યુ સર્વે નં. 75 પૈકીની સરકારી ખરાબાની જમીન ચો.મી. 4047 એટલે કે એક એકર જેટલી જમીન ઉપર છેલ્લા કેટલાંક સમયથી ખડકાઇ ગયેલા ગેરકાયદે દબાણો ઉપર કલેકટર તંત્રએ બુલડોઝર ફેરવી દીધુ હતુ.
આપણ વાંચો: મુંબઈમાં દરરોજ કચરા કરતા ક્ધસ્ટ્રકશન અને ડિમોલિશનનો કાટમાળ વધુ નીકળે છે
સરકારી જમીન પર બનાવ્યું હતું સાડીનું કારખાનું
ઘણા લાંબા સમયથી કરવામાં આવેલા ગેરકાયદે દબાણો પર રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂપે પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમારના માર્ગદર્શન હેઠળ મામલતદાર રાજકોટ શહેર પૂર્વ એસ.જે.ચાવડા તથા તેમની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
સરકારી તંત્ર દ્વારા સરકારી જમીન પર બનાવવામાં આવેલ સાડીનું કારખાનું, 4 ઓરડી, ચા-પાનની દુકાનો, કારખાનાના મજૂરો માટેના 4 રૂમો, નર્સરી વિગેરે દૂર કરવામાં આવ્યા અને સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
આપણ વાંચો: જામનગર-દ્વારકામાં મેગા ડિમોલિશનઃ પાંચ દિવસમાં દરિયાઈ વિસ્તારમાં ધાર્મિક સ્થાન સહિત 285 દબાણો હટાવાયા
ગુજરાત હાઇ કોર્ટે ફગાવી અરજી
દેવભૂમિ દ્વારકા સ્થિત બેટ દ્વારકા ખાતે સરકારના પગલાંને રોકવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓમાં વહીવટીતંત્ર દ્વારા સરકારી જમીન પર આવેલા ધાર્મિક સ્થળોને તોડી પાડવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. હાઈ કોર્ટે આ બધી અરજીઓ ફગાવી દીધી હતી, ત્યારબાદ બેટ દ્વારકામાં સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામ પર એકવાર બુલડોઝર ચલાવવાનું શરૂ કર્યું હતું.