રાજકોટ

કોટડાસાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઇઝનિંગનો કહેર, બે દિવસમાં 75 ગાયોનાં મોત

રાજકોટ: જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે આવેલી શ્રી રામગર બાપુ ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં અત્યંત ગમખ્વાર ઘટના બની હતી. અહીં છેલ્લા બે દિવસના ટૂંકા ગાળામાં શંકાસ્પદ સંજોગોમાં 75 જેટલી ગાયોનાં કરુણ મોત નીપજ્યાં હતા. ખોરાકમાં ઝેર ભેળવાયું હોવાની એટલે કે ફૂડ પોઇઝનિંગના કારણે આ કરૂણાંતિકા સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગાયોના આટલી મોટી સંખ્યામાં મોતની જાણ થતાં જ જિલ્લાનું વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું અને ભારે દોડધામ મચી ગઈ હતી. જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારી આનંદ સુરેશ ગોવિંદ સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સાંઢવાયા ખાતેની ગૌશાળાએ દોડી ગયા હતા. અધિકારીઓએ સ્થળ પર જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને બચી ગયેલા પશુઓની સારવારની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

આપણ વાચો: વડોદરા યુનિવર્સિટીની હોસ્ટેલમાં 80થી વધુ વિદ્યાર્થિનીઓને થયું ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય વિભાગ દોડતું થયું…

જિલ્લા કલેક્ટર ડૉ. પ્રકાશએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “પ્રાથમિક દ્રષ્ટિએ ગાયોના મોત માટે ફૂડ પોઇઝનિંગ જવાબદાર હોઈ શકે છે. અમને જાણવા મળ્યું છે કે તારીખ 11ના રોજ દાતાઓ દ્વારા ગૌશાળાને મગફળીનો ખોળ આપવામાં આવ્યો હતો. આ ખોળ આપ્યા બાદ જ મોટી સંખ્યામાં ગાયોના મોતની ઘટના જોવા મળી છે.

” તેમણે વધુમાં જણાવ્યું કે ખાસ કરીને જે વિસ્તારમાં આ ખોળ આપવામાં આવ્યો હતો, ત્યાં જ મૃત્યુઆંક વધુ નોંધાયો છે. પ્રથમ દિવસે 70 જેટલી ગાયોના મોત થયા હતા, જ્યારે ગઈકાલે વધુ 5 ગાયોના મોત નીપજ્યાં હતા. આમ, કુલ 75 ગાયોએ જીવ ગુમાવ્યો છે.

આપણ વાચો: ફૂડ પોઇઝનિંગથી બચવા શું કરવું? 

વહીવટી તંત્ર દ્વારા ગાયોના મોતના ચોક્કસ કારણ જાણવા માટે તાત્કાલિક પગલાં લેવાયા છે. ગાયોના ફૂડ સેમ્પલ તેમજ અન્ય જરૂરી સેમ્પલો એકત્રિત કરીને ગાંધીનગર અને પુના ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

ઘટનાની ગંભીરતા સમજીને પશુપાલન પ્રધાન જીતુ વાઘાણીએ ત્વરિત પગલાં લેવા પશુપાલન વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. પ્રધાનના આદેશ બાદ રાજકોટ જિલ્લાના 5 પશુચિકિત્સા અધિકારીઓ, 7 પશુધન નિરિક્ષકો, પશુરોગ અન્વેષણ અધિકારી, નાયબ પશુપાલન નિયામકોને મળીને કુલ 16 નિષ્ણાતોની ટીમ દ્વારા સારવારની કામગીરી રાઉન્ડ ધ કલોક શરૂ કરવામાં આવી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button