જસદણ દુષ્કર્મ પીડિતાના પરિવારની કોંગ્રેસ નેતાએ ઓળખ જાહેર કરી, પોલીસે નોંધી ફરિયાદ…

રાજકોટઃ રાજકોટ જિલ્લાના આટકોટમાં બનેલી દુષ્કર્મની ઘટનાના પીડિત પરિવારની ઓળખ જાહેર કરવા બદલ કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ફરિયાદ તેમના દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટ મામલે દાખલ કરાઈ હતી. જસદણ તાલુકાના આટકોટ ગામમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ગંભીર ઘટના બાદ કોંગ્રેસના નેતા પ્રગતિ આહીર અને અન્ય આગેવાનો બાળકીના પરિવારજનોને સાંત્વના આપવા તેમના ઘરે ગયા હતા.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, રાજકીય નેતાઓ દ્વારા પીડિત પરિવારના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવા બદલ આટકોટ પોલીસે કાર્યવાહી કરી કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર સહિત કુલ 25 લોકો સામે જુવેનાઈલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ અધિનિયમ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે આગળની કાર્યવાહી પણ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.
મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ થશે
પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર ફોટા કોણે અપલોડ કર્યા? કોણે ફોરવર્ડ કર્યા? કેટલા ગ્રુપોમાં તે વાયરલ થયા? તેની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે મોબાઈલ ફોન, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ડિજિટલ પુરાવાની પણ ચકાસણી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પીડિત પરિવારની ઓળખ થઈ શકે એવા ફોટો અને વીડિયો મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત જસદણ તાલુકા પંચાયતના વોટ્સેપ ગ્રૂપમાં પણ આ જ ફોટો અને વીડિયો મૂકવામાં આવ્યા છે. જેના કારણે પોલીસ દ્વારા આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
શું હતી આ સમગ્ર ઘટના?
જસદણ તાલુકાના આટકોટમાં છ વર્ષની બાળકી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ હેવાનિયતની ઘટનાના આરોપી રામસિંહની પોલીસ ધરપકડ કરી લીધી હતી. જોકે, આરોપીએ હુમલાનો પ્રયાસ કર્યો હોવાથી પોલીસે સ્વ-બચાવમાં ફાયરિંગ તેના પર કર્યું હતું, તેમાં આરોપીને પગમાં ગોળી વાગી હતી. હવે આરોપી પોલીસ સામે આજીજી કરીને પોતાની ભૂલ નહીં પરંતુ હેવાનિયત સ્વીકારી રહ્યો હતો. એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર આ નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં પરંતુ હેવાનિયતની હદ વટાવતા નરાધમે બાળકીના ગુપ્તાંગમાં ધારદાર હથિયાર ઘુસાડી દીધો હતો. જેથી તેની સામે અત્યારે કાર્યવાહી ચાલી રહી છે.



