
રાજકોટઃ આટકોટની 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું હતું તે કેસમાં મોટા સમાચાર આવ્યા છે. દુષ્કર્મ આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે નરાધમને પગમાં ગોળી મારી હોવાનું જાણવા મળ્યું છે. ફાયરિંગમાં આરોપીને બંને પગે ઇજા થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હોવાથી પોલીસે સ્વ-બચાવમાં ફાયરિંગ કર્યું હતું. પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપીને પગમાં ગોળી વાગી હતી. આરોપીને અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.
બે રાઉન્ડ ફાયરિંગમાં દુષ્કર્મના આરોપીને પગમાં ઇજા થઈ
તપાસ દરમિયાન દુષ્કર્મી રામસિંગે ભાગવા પ્રયાસ કરીને પોલીસ પણ હુમલો કર્યો હતો. જેથી પોલીસે સ્વબચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું હતું. બે રાઉન્ડ ફાયરિંગમાં દુષ્કર્મના આરોપીને પગમાં ઇજા થઈ હતી. આ દરમિઆન એક પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે આરોપીને અને ઘાયલ પોલીસ કર્મચારીને સારવાર માટે KDP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે.
નરાધમે સાત વર્ષની છોકરી પર દુષ્કર્મ આચર્યું હતું
ઘટનાની વાત કરવામાં આવે તો, જસદણના આટકોટમાં એક શ્રમિક પરિવારની સાત વર્ષની છોકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. હેવાનિયતની હદ વટાવતા નરાધમે ગુપ્તાંગમાં ધારદાર હથિયાર ઘુસાડી દીધી હતું અને ગંભીર ઇજા પહોંચાડી ક્રૂરતા આચરી હતી. બાળકીની ગંભીર હાલતને જોતાં તેને પરિવારે તાત્કાલિક સારવાર અર્થે ખસેડી હતી. અત્યારે દીકરીની હાલત સારી હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જો કે, હજી પણ તે સારવાર હેઠળ છે.
એસપી વિજયસિંહ ગુર્જરે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી
બનાવ અંગે એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો. આરોપી મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનો વતની છે. ભોગ બનનાર દીકરી અને આરોપીનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે. આરોપીએ લોખંડના સળિયા વડે દીકરીના ગુપ્તાંગના ભાગે ઇજા પહોંચાડી હતી. લોખંડનો સળીયો પણ પોલીસે કબજે કરી દીધો હતો.
સ્વબચાવમાં પોલીસને ફાયરિંગ કરવું પડ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા વહેલામાં વહેલી તકે ચાર્જશીટ તેમજ ન્યાયીક પ્રક્રિયા પૂર્ણ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, તેમાં આરોપીએ ભાગવાનો અને પોલીસ પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. હુમલો થયો હોવાના કારણે પોલીસને સ્વ-બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. તેમાં એક પોલીસ કર્મચારી પણ ઘાયલ થયો છે. આરોપી અને પોલીસ કર્મી અત્યારે સારવાર હેઠળ છે.
આ પણ વાંચો…રાજકોટમાં બળાત્કારનો ભોગ બનેલી 7 વર્ષની છોકરીએ બળાત્કારીને ઓળખી લીધો



