રાજકોટ

ચોટીલાના ડેપ્યુટી કલેક્ટરે સરકારની ખાતરીની ઐસીતૈસી કરીને ગૌશાળા તોડી પાડતાં હાઈ કોર્ટ લાલઘૂમ

રાજકોટઃ ચોટીલાના ડેપ્યુટી કલેક્ટરે સરકારની ખાતરીની ઐસીતૈસી કરીને ગૌશાળા તોડી પાડતાં હાઈ કોર્ટ લાલઘૂમ થઈ હતી. અરજદારનું કહેવું હતું કે બાંયધરી આપ્યા બાદ પણ શા માટે ઓથોરિટીએ કાયદો હાથમાં લીધો? હાઈ કોર્ટે પક્ષકારોને ગાયો માટે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરીને તેના ફોટો કોર્ટ સમક્ષ મૂકવા જણાવ્યું હતું, સાથે જ સ્ટેટસ જાળવી રાખવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.

શું છે કિસ્સો

આ કેસમાં અરજદારે હાઈ કોર્ટમાં રજૂઆત કરી હતી કે કોઈપણ જાતની નોટિસ વિના તંત્રએ શિયાળાની ઋતુમાં ગૌશાળાનો શેડ કાઢી નાખ્યો હતો. અરજદારે સ્વીકાર્યું હતું કે તેમનું બાંધકામ સરકારી જમીન પર છે પરંતુ તેના પર 80 વર્ષથી કબજો છે, જેથી કોઈ નોટિસ પણ બતાવવામાં કે આપવામાં આવી નથી. વહીવટી તંત્રએ મંદિર નથી તોડ્યું પણ પણ ગૌશાળા તોડી છે. સામે પક્ષે સરકારી વકીલે કહ્યું હતું કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત નોટિસ અપાઈ હતી. ટ્રસ્ટનું કહેવું હતું કે નોટિસ મળી જ નથી, જે બાબતે કોર્ટે કહ્યું કે શિયાળામાં તેઓ ગાય ક્યાં મૂકશે?

આ ઉપરાંત અરજદાર ટ્રસ્ટને આશ્વાસન મળ્યું હતું કે હાલ કોઈ એક્શન લેવામાં આવશે નહીં, પણ તેમ છતાં 1 વાગ્યે ગૌશાળા તોડી પાડવાનો વીડિયો તેમના અસીલ તરફથી મળ્યો હતો. હાઈ કોર્ટે પક્ષકારોને ગાયો માટે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરીને તેના ફોટો કોર્ટ સામે મૂકવાનો નિર્દેશ હતો. કોઈ નોટિસ વગર બાંધકામો તોડવાની કામગીરી કરવામાં આવતા દેખીતી રીતે જવાબદાર ઓથોરિટી દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરાયું હતું. જે બાદ કોર્ટે મામલતદારને ટકોર કરી કે, ‘કોઈપણ પ્રોસિડિંગ વગર તમે જે હુકમ કર્યો છે એ શંકાસ્પદ છે. બાકીની 13 વર્ષ નોકરી કરવાની છે કે કેમ? તમે જવાબ આપશો કે પ્રોસિડિંગ કેમ ના થઈ? નોટિસ વગર બાંધકામ કેમ તોડી પાડ્યું? તમારી સામે ખાતાકીય પગલાં પણ લેવાઈ શકે છે. કોર્ટ સમક્ષ પણ ખોટું બોલ્યા છો તમે ભવિષ્યમાં સસ્પેન્ડ પણ થઈ શકો છો. તમને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એનો ખુલાસો આપો, નહીં તો તમારી સામે તપાસના ઓર્ડર કરવામાં આવશે. આ અંગે વધુ સુનાવણી 09 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે.

આ ઉપરાંત ઈન્ચાર્જ મામલતદારે ઓર્ડરમાં ક્લેરિકલ મિસ્ટેક થઈ હોવાનુ કહેતા હાઈકોર્ટે નારાજગી પણ વ્યક્ત કરી હતી તેમજ એનડેટેડ અને પ્રોસિડિંગ વિના ઓર્ડર કરતા હાઈ કોર્ટે ઉધડો લીધો હતો.

આપણ વાંચો:  તૈયાર રહેજો! ગુજરાતમાં આવી રહી છે 5 હજારથી વધુ સરકારી નોકરીઓ, જાણો સંપૂર્ણ વિગત

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button