અમદાવાદ: રાજકોટના બહુચર્ચિત ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ત્રણ આરોપીના જામીન મંજૂર કર્યા છે. જો કે મનસુખ સાગઠિયા સહિત ત્રણ આરોપીના જામીનની અરજીને ફગાવી દીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અગ્નિકાંડ મામલાના ત્રણ આરોપીને ગુજરાત હાઈકોર્ટે રાહત આપતા ત્રણ સરકારી કર્મચારીઓના જામીન મંજૂર કર્યા છે. હાઇકોર્ટે મનપાના પૂર્વ એટીપી રાજેશ મકવાણા, ગૌતમ જોશી અને એન્જિનિયર જયદીપ ચૌધરીના જામીન મંજૂર કર્યા છે. જો કે મનસુખ સાગઠિયા, અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની જામીન અરજી હાઇકોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.
આપણ વાંચો: TRP Gamezone Fire: રાજકોટ ગેમઝોનમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ
16 આરોપી સામે ગુનો દાખલ
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 25મી મેના રાજકોટના નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં આગની ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં 27 લોકોના જીવનો ભોગ લેવાયો હતો. આ દુર્ઘટનાના સમગ્ર રાજ્યમાં લોકોની સુરક્ષા અને તંત્રની જવાબદારીની સામે પ્રશ્નો ઊભા થયા હતા. આ દુર્ઘટનામાં પોલીસે ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરી હતી. આ દુર્ઘટનામાં 16 આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: રાજકોટની જેમ જ સૂરતમાં પણ 22 બાળકોના બળીને થયા હતા મોત: અહીં 17 માથી 5 ગેમઝોન સીલ
કોની સામે નોંધાયો છે ગુનો?
ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠકકર , અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ હીરન, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, નીતિન લોઢા, મનસુખ સાગઠીયા, ગૌતમ જોષી, મુકેશ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીત આસમલ વિગોરા, ટીપી શાખાના આસિસ્ટન્ટ એન્જીનીયર જયદીપ બાલુ ચૌધરી, રાજેશ નરશી મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવા ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો હતો.