સૌરાષ્ટ્રમાં મેઘમહેર: કાલાવડમાં 4.33 ઇંચ, ઊંડ નદી બે કાંઠે, ખેડૂતોમાં વાવણીલાયક વરસાદનો આનંદ

રાજકોટ: સમગ્ર રાજ્યમાં મેઘ મહેર જોવા મળી હતી. આ દરમિયાન સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન થયા હતા. 21 જૂનના રોજ જામનગર, અમરેલી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર ૨૨ જૂન સાંજે ૬ વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ જામનગર જિલ્લાના કાલાવડમાં 4.33 ઇંચ પડ્યો હતો.
જામનગર જિલ્લાના કાલાવડમાં ૪.૩૩ ઇંચ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર ૨૨ જૂન સાંજે ૬ વાગ્યા સુધીમાં જામનગર જિલ્લાના કાલાવડમાં ૪.૩૩ ઇંચ, જુનાગઢ જિલ્લાના કેશોદ ૩.૮૨ ઇંચ, માણાવદરમાં 3.66, પોરબંદર જિલ્લાના કુતીયાણામાં 3.58, રાજકોટ જિલ્લાના પડધરીમાં 3.54, જામનગર જોડિયામાં અને વલસાડના કપરાડામાં 2.8 ઇંચ, જુનાગઢના મેંદરડામાં 2.76 ઇંચ, જામનગર જિલ્લાના જામ જોધપુરમાં 2.4 ઇંચ, પોરબંદરના રાણાવાવમાં 2.13 ઇંચ, ઉમરપાડામાં 1.97 ઇંચ, રાજકોટના જેતપુરમાં ૧.૯૩ ઇંચ તેમજ સુરતના કામરેજમાં ૧.૮૫ વરસાદ પડ્યો હતો.
વાવણી સમયે વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી
ધોરાજી 1.69 ઇંચ, ઉપલેટામાં 1.46 ઇંચ, વિસાવદરમાં ૧.૬૫ ઇંચ, ભાવનગરના મહુવામાં અને જુનાગઢના વંથલીમાં ૧.૬૧ ઇંચ, માંગરોળમાં 1.54 ઇંચ, પોરબંદર અને માળીયા હાટીનામાં ૧.૩૮ ઇંચ, લાલપુરમાં ૧.૩ ઇંચ, બગસરામાં ૧.૧૪ ઇંચ, જૂનાગઢ અને વાંકાનેરમાં ૧.૧ ઇંચ વરસાદ પડ્યો હતો. રાજકોટ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ મહેર વરસાવી હતી, જેના પગલે અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી અને વાવણી સમયે વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.
બપોરથી રાજકોટ શહેરમાં ઝરમર વરસાદ શરૂ થયો, જ્યારે જિલ્લાના યાત્રાધામ વીરપુર અને ધોરાજી પંથકમાં સવારથી જ સારો વરસાદ પડ્યો હતો. વીરપુર તેમજ આસપાસના થોરાળા, મેવાસા, કાગવડ, પીઠડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. રાજકોટના પડધરી તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે ઊંડ નદી બે કાંઠે થઈ હતી. સોરઠ પંથકમાં પણ ગિરનાર પર્વત, જુનાગઢ શહેર, માણાવદર, વંથલી ભેસાણ, મેંદરડા અને માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો…સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબકયો, અનેક રસ્તાઓ બંધ…