રાજકોટ

ગુજરાતમાં સીંગતેલના ભાવમાં ભડકો, 15 કિલોનો ડબ્બો રૂ. 2750એ પહોંચ્યો

રાજકોટ: દિવાળી તહેવાર બાદ હાલ ફરી એકવાર ઉત્તરાયણ તહેવાર પર રાજ્યમાં સીંગતેલના ભાવમાં ભડકો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં સીંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 80થી 90 સુધીનો વધારો નોંધાયો છે. હાલમાં 15 કિલોનો સીંગતેલનો ડબ્બો બજારમાં રૂપિયા 2725થી લઈને 2750 સુધીના ભાવે વેચાઈ રહ્યો છે. મગફળીના ભાવમાં થયેલા વધારાના સીધા અસરરૂપે સીંગતેલ મોંઘું બન્યું છે. સરકાર દ્વારા ટેકાના ભાવે મોટા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જેના કારણે ઓપન માર્કેટમાં પુરવઠો ઘટ્યો છે અને ભાવમાં વધારો થયો છે.

મગફળીના ભાવમાં પ્રતિ મણ રૂપિયા 150થી 200 સુધીનો વધારો

આંકડાઓ મુજબ, છેલ્લા એક મહિનામાં મગફળીના ભાવમાં પ્રતિ મણ રૂપિયા 150થી 200 સુધીનો વધારો નોંધાયો છે. હાલ ઓપન યાર્ડમાં મગફળીના ભાવ રૂપિયા 1250થી લઈને 1450 પ્રતિ મણ સુધી પહોંચ્યા છે. વેપારીઓનું કહેવું છે કે સારી ગુણવત્તાની પીલાણ યોગ્ય મગફળીની બજારમાં અછત છે. સાથે સાથે વાર્ષિક ખાદ્યતેલની મોટી ખરીદી શરૂ થતા માંગમાં વધારો થયો છે, જેના કારણે ભાવ સતત ઊંચા જઈ રહ્યા છે.

ઓપન માર્કેટમાં માલ ઓછો રહે છે

સરકાર ટેકાના ભાવે મોટી માત્રામાં ખરીદી કરે છે એટલે ઓપન માર્કેટમાં માલ ઓછો રહે છે. માંગ વધારે અને પુરવઠો ઓછો હોવાથી ભાવ વધતા જ રહે છે. બજારના નિષ્ણાતો માને છે કે આવનારા સમયમાં પણ સીંગતેલના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે. જો મગફળીના ભાવ સ્થિર ન થાય તો સામાન્ય ગ્રાહકો પર આર્થિક બોજ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મોંઘવારીથી ત્રસ્ત મધ્યમ વર્ગની હાલત કફોડી

અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળીના સમયે પણ સીંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં 60 રૂપિયા સુધીનો વધારો થયો હતો. તે સમયે ખાસ માવઠા અને G-20 મગફળીની આવક વિલંબના કારણે આ ભાવ વધ્યા હતા. ત્યારે હવે ફરી એકવાર સિંગતેલના ભાવમાં ઘરખમ વધારો થતા પહેલાથી મોંઘવારીથી ત્રસ્ત મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે.

આપણ વાંચો:  પ્રજાના નાણાનો વેડફાટ, જૂનાગઢ મનપાએ વીજબિલ મોડું ભરતા દંડ ફટકાર્યો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button