‘રસોડે રાહત’ સિંગતેલના ભાવમાં ઘટાડો; 15 કિલો ડબ્બાનો ભાવ 2300એ પહોંચ્યો

રાજકોટ: મોંઘવારીનાં માર વચ્ચે મધ્યમવર્ગને રાહત આપે તેવા સમાચાર છે. રાજ્યમાં સીંગતેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાથી સીંગતેલના ૧૫ કિલોના ડબ્બાનો ભાવ ૨૩૦૦ રૂપિયા થઈ ગયો છે. છેલ્લા ત્રણ દિવસમાં જ પ્રતિ ડબ્બામાં ૪૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે દિવાળીથી અત્યાર સુધીના ગાળામાં અંદાજે ૩૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
મગફળીનું મબલખ ઉત્પાદન
મળતી વિગતો અનુસાર હાલ સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતાં સીંગતેલના ભાવ ૪ વર્ષના તળિયે જોવા મળ્યા છે. સીંગતેલના ભાવમાં ઘટાડો થવાનું સૌથી મોટું કારણ મગફળીનું મબલખ થયેલા ઉત્પાદનને માનવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર મગફળીના ઉત્પાદનના પ્રદેશની સાથે જ સિંગતેલની સૌથી વધુ માંગ અહીથી જ રહે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલક ઉત્પાદન થઈ રહ્યું હોય અને આ વર્ષે અંદાજે ૫૦ લાખ ટનથી પણ વધુ ઉત્પાદનનો અંદાજ છે ત્યારે તેની સીધી અસર સિંગતેલના ભાવમાં જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે સીંગતેલના ભાવમાં ઘટાડાની શરૂઆત દિવાળીથી જ થઈ હતી અને દિવાળીથી લઈને અત્યાર સુધીમાં સીંગતેલના ભાવમાં રૂ. ૩૦૦ નો ઘટાડો નોંધાયો છે. સીંગતેલના ભાવમાં ઘટાડા પાછળ બજારમાં મગફળીના પૂરતા પ્રમાણમાં જથ્થાને માનવામાં આવી રહ્યો છે. કારણ કે મગફળીના મબલખ ઉત્પાદનની સાથે જ સરકારે પણ નાફેડ હસ્તકની મગફળીનું વેચાણ કર્યું છે તેમજ ખેડૂતો પણ મગફળીનું વેંચાણ કરતાં આ ભાવમાં ઘટાડો નોંધાયો છે.
ચાર વર્ષમાં સતત નોંધાયો છે ઘટાડો
છેલ્લા ચાર વર્ષમાં સિંગતેલના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. નવેમ્બર ૨૦૨૧માં રૂ. ૨૩૦૦ પ્રતિ ડબ્બાનો ભાવ ઓગસ્ટ ૨૦૨૨માં વધીને રૂ.૩૨૦૦ થયો હતો. ત્યારબાદ ઓગસ્ટ ૨૦૨૩માં ભાવ ઘટીને રૂ. ૩૧૦૦ થયો અને ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં વધુ ઘટીને રૂ. ૨૯૦૦ થયો હતો. નવેમ્બર ૨૦૨૪માં ભાવ રૂ. ૨૬૦૦ અને એપ્રિલ ૨૦૨૫માં રૂ. ૨૩૦૦ પ્રતિ ડબ્બા પર પહોંચ્યો છે.
આ પણ વાંચો…કઠોળના ભાવ અંકુશમાં રાખવા સરકાર એકંદર 13.22 લાખ ટન તુવેર દાળ ખરીદશે