ટોપ ન્યૂઝરાજકોટ

રાજકોટ TRP અગ્નિકાંડની પહેલી વરસી: નિર્દોષોના જીવ લેવાયા તો દોષિતોના “રાજીનામાં” એક વર્ષ પછી પણ ન્યાયની પ્રતીક્ષા

રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ માટે 25 મેનો દિવસ કાયમને માટે ગોઝારો બની રહેવાનો છે. આજે 25 મે અગ્નિકાંડ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. ટી.આર.પી. ગેમઝોનના અગ્નિકાંડમાં ૨૭ નિર્દોષ લોકોએ જીવ ગૂમાવ્યા હતા. અનેક નિર્દોષ લોકોના જીવનો ભોગ લેવાયા બાદ તંત્રએ દોષના પોટલા એકબીજા પર ઢોળ્યા. પરંતુ હકીકતે મહાનગર પાલિકા અને પોલીસની બેદરકારી નજર સામે હતી. ત્યારબાદ અનેક અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી, 8 અધિકારીઓ જેલભેગા થયા છે, જ્યારે મહાનગરપાલિકામાંથી 10 જેટલા અધિકારીઓના રાજીનામાં પડી ચૂક્યા છે.

કોની સામે થઈ કાર્યવાહી?

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ એ ગુજરાતના ઇતિહાસની એક ગંભીર દુર્ઘટના છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું અને રાજ્ય સરકારની સામે પ્રશ્ન ઉભા થયા હતા તથા ન્યાયતંત્ર દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી હતી. અગ્નિકાંડની ઘટનામાં અનેક અધિકારીઓ સહિત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ગેમઝોનના સંચાલક યુવરાજસિહ હરિસિંહ સોલંકી, ગેમ ઝોનના ભાગીદાર નીતિન મહાવીરપ્રસાદ લોઢા, પ્રોપરાઈટર રાહુલ લલીતભાઈ રાઠોડ, ભાગીદાર ધવલ ભરતભાઈ ઠક્કર, જમીનમાલિક કિરીટસિહ જગદીશસિહ જાડેજા અને અશોકસિહ જગદીશસિહ જાડેજા, રાજકોટ મનપાના પૂર્વ TPO મનસુખ ધનજીભાઈ સાગઠીયા, મનપાના પૂર્વ એટીપીઓ ગૌતમ દેવશંકરભાઈ જોષી અને મુકેશ રામજીભાઈ મકવાણા, પૂર્વ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત આસમલભાઈ વિગોરા, પૂર્વ આસી.ઈજનેર જયદીપ ચૌધરી, પૂર્વ એટીપીઓ રાજેશ મકવાણા, પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઇલેશ વલ્લભભાઈ ખેર, પૂર્વ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ જીવાભાઈ ઠેબા, વેલ્ડીંગ કોન્ટ્રાકટર મહેશ રાઠોડ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

અગ્નિકાંડની ઘટના બાદ અનેક અધિકારીઓના ભોગ લેવાયા તો અનેકે નોકરીમાંથી રાજીનામાં આપ્યા હતા. અગ્નિકાંડની દુર્ઘટના બાદ રાજકોટ મનપાનાં કમિશનર આનંદ પટેલનો ભોગ લેવાયો હતો અને સરકારે તેમને હટાવીને ડી.પી.દેસાઈને કમિશનર તરીકે નિયુક્ત કર્યા હતા. અગ્નિકાંડની ઘટના બાદ અનેક અધિકારીઓએ રાજીનામાં ધરી દીધા હતા. સિટી ઈજનેર અલ્પના મિત્રા, કમલેશ ગૌસ્વામીએ અગ્નિકાંડ બાદ નોકરીથી છેટું કરી લીધું હતું તેમજ અન્ય પાંચ ઈજનેરોએ પણ નોકરી છોડી હતી.

ઘટનાના કારણો અને બેદરકારી

આ દુર્ઘટના માટે અનેક કારણોને જવાબદાર માનવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ગેમ ઝોનમાં ચાલી રહેલા વેલ્ડિંગ કામ દરમિયાન ઉડેલો તણખો આગ લાગવાનું મુખ્ય કારણ બન્યો હતો. અન્ય એક કારણ ગેમ ઝોનમાં થર્મોકોલ, ટાયર, અને ૨૫૦૦ લીટર ડીઝલનો મોટો જથ્થો સંગ્રહિત હતો, જેના કારણે આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું માનવામાં આવે છે. ગો-કાર્ટ રેસિંગ માટે ૮૦૦થી વધુ ટાયર અને ૧૦૦૦-૧૫૦૦ લીટર પેટ્રોલ પણ સ્ટોરેજ કરવામાં આવ્યું હોવાના અહેવાલો હતા. જેનાથી રાજકોટ મનપાની ઘોર નિંદ્રાની પોલ છતી થઈ તે બાબત એ હતી કે ગેમ ઝોન પાસે ફાયર વિભાગનું NOC (નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ) નહોતું. તે ઉપરાંત ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ અથવા તે ખામીયુક્ત હતા. તેમજ ફાયર એલાર્મ જેવી કોઈ સિસ્ટમ પણ નહોતી. વળી આ ગેમ ઝોન કોઈપણ પ્રકારની પરવાનગી કે લાયસન્સ વિના ઘણા સમયથી ચાલતો હોવાનું પણ સામે આવ્યૂ હતું. આ દુર્ઘટનામાં સરકારી વિભાગોની બેદરકારી સામે આવી હતી. જેમાં પોલીસ વિભાગ, ટાઉન પ્લાનિંગ, ફાયર બ્રિગેડ અને બાંધકામ વિભાગ સહિતના ચાર વિભાગોની ગંભીર બેદરકારી સામે આવી હતી.

SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના

રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ માટે અધિક પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને SIT ની રચના કરી હતી. આ SIT દ્વારા તપાસ રિપોર્ટ સરકારને સુપરત કરવામાં આવ્યો હતો. જો કે તેની વિશ્વનિયતાની સામે વિરોધ પક્ષે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા અને ત્યારબાદ હાઈકોર્ટના આદેશથી રાજ્ય સરકારે ત્રણ IAS અધિકારીઓ પી. સ્વરૂપ, મનિષા ચંદ્રા અને રાજકુમાર બેનિવાલની એક તપાસ સમિતિ પણ બનાવી હતી. આ સમિતિ ગેમ ઝોનનો પાયો નખાયો ત્યારથી અગ્નિકાંડ સુધીના તમામ અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની કામગીરી સોંપવામાં આવી હતી.

હાઈકોર્ટમાં સુનાવણી

રાજકોટ અગ્નિકાંડની ઘટના અંગે ગુજરાત હાઇ કોર્ટે સુઓમોટો નોંધ નોંધ લીધી હતી. આ અંગે સુનાવણી દરમિયાન કોર્ટે સરકાર અને મનપાનમે આકરા પ્રશ્નો કર્યા હતા. હાઈકોર્ટે તંત્ર અને સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા પૂછ્યું હતું કે, “શું તમે ઊંઘતા હતા? શહેરમાં છેલ્લાં બે વર્ષથી આ ગેમ ઝોન ચાલતો હતો અને તેની પાસે જરૂરી મંજૂરી ન હતી.” કોર્ટે રાજકોટ મહાનગરપાલિકાને સીધી જવાબદાર ઠેરવી હતી અને જણાવ્યું હતું કે, ગેમ ઝોન બન્યો ત્યારથી અત્યાર સુધીના તમામ મનપા કમિશનર જવાબદાર છે.

હાઈકોર્ટે ગણાવી માનવસર્જિત ડિઝાસ્ટર

હાઈકોર્ટે આ ઘટનાને “માનવસર્જિત ડિઝાસ્ટર” ગણાવી હતી. હાઈકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અન્ય મહાનગરપાલિકાઓ અને રાજ્ય સરકાર પાસે રાજ્યના તમામ ગેમ ઝોનના નિયમો અને ફાયર નિયમો અંગે એક જ દિવસમાં ખુલાસો કરવાનો નિર્દેશ આપ્યો હતો. અને આથી જ સમગ્ર રાજ્યમાં ફાયર એનઓસી વગરના સ્થળોએ સીલ મારવામાં આવ્યા હતા. રાજકોટ બાર એસોસિએશને નિર્ણય લીધો હતો કે, મૃતકોને ન્યાય મળે તે માટે કોઈ પણ વકીલ આરોપીઓનો કેસ લડશે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button