રાજકોટમાં ફિલ્મી ઢબે કરોડોની લૂંટ: પરિચિતના ઘરે રાખેલું 140 કિલો ચાંદી કારમાં ભરી તસ્કરો ફરાર

રાજકોટ: એકતરફ સોના અને ચાંદીના ભાવ આકાશે આંબી ગયા છે ત્યારે રાજકોટમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના સામા કાંઠે આવેલા પેડક રોડ પરના રણછોડનગર શેરી નંબર-૧ (ચંપકનગર-૧) માં આવેલા એક રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજે ૧૨૦ થી ૧૪૦ કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાના બનાવથી ખળભળાટ મચી જવા પામી છે. ચાંદીના વધતા ભાવો વચ્ચે થયેલી આ કરોડોની ચોરીને પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી અતુલભાઈ પટેલે પોતાનો અંદાજે ૧ કરોડથી વધુની કિંમતનો ચાંદીનો જથ્થો પરિચિત બિપિનભાઈ પટેલના ઘરે રાખ્યો હતો. ગત રાત્રે આશરે ૨:૦૦ થી ૨:૩૦ વાગ્યાની આસપાસ એક કારમાં આવેલા ત્રણ જેટલા તસ્કરોએ ફિલ્મી ઢબે આ ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ અગાઉ આ વિસ્તારની રેકી કરી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. સવારે જ્યારે વેપારીને ઘરનો સામાન વેરવિખેર જોવા મળ્યો, ત્યારે તેમણે તાત્કાલિક ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરી હતી, જેમના હસ્તક્ષેપ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા રાજકોટ પોલીસના ઇન્ચાર્જ સીપી મહેન્દ્ર બગડીયા, ક્રાઇમ ડીસીપી, ઝોન-૧ ડીસીપી હેતલ પટેલ સહિત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને બી-ડિવિઝન પોલીસની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાથમિક તપાસમાં પોલીસને ઘટનાસ્થળ નજીકના CCTV ફૂટેજ હાથ લાગ્યા છે, જેમાં તસ્કરો કારમાં ચાંદી ભરીને ફરાર થતા દેખાય છે. પોલીસે આ મામલે કોઈ જાણભેદુ સામેલ હોવાની શંકાના આધારે ઘરના ઉપરના માળે રહેતા પરિવારની પણ પૂછપરછ શરૂ કરી છે.
હાલમાં સોના-ચાંદીના ભાવ આસમાને હોવાથી તસ્કરોએ જાણીજોઈને કિંમતી ધાતુને નિશાન બનાવી હોવાની સર્વત્ર ચર્ચા થઈ રહી છે. ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે, અલગ-અલગ ટીમો બનાવીને તસ્કરોનું પગેરું દબાવવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં જ આરોપીઓને ઝડપી લેવામાં આવશે. રાજકોટના ઈતિહાસમાં રહેણાંક વિસ્તારમાં થયેલી આ અત્યાર સુધીની સૌથી મોટી ચાંદીની ચોરી માનવામાં આવી રહી છે.
આપણ વાંચો: અમદાવાદીઓ પર નવા ટેક્સનો બોજ નહીં, જાણો ₹17,018 કરોડના AMC બજેટની મોટી જાહેરાતો



