ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી? સરકારી જમીનને પ્લોટિંગ બતાવી હરાજી પણ કરી નાખી…

ગોંડલ, રાજકોટઃ ગુજરાતમાં કોઈ એવું ક્ષેત્ર બાકી નથી જ્યાથી નકલીનો ભાંડાફોડ ના થયો હોય! નકલી પોલીસ, નકલી કચેરી, નકલી અધિકારી અને નકલી ખાદ્ય વસ્તુઓ ઝડપાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. હવે ફરી એક નવી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ થયો છે. ગોંડલના ત્રાકુડા ગામમાં ગામતળ તરીકે જાહેર થયેલી સરકારી જમીનને કથિત હરાજી હેઠળ ગ્રામજનોમાં વહેંચવામાં આવી હતી. પરંતુ પાછળથી એવું સામે આવ્યું કે આ હરાજી એ નકલી કચેરી અને બનાવટી દસ્તાવેજોના આધારે કરવામાં આવેલી છેતરપીંડી હતી. પછાત વિસ્તારોમાં વિકાસના નામે ગામના લોકો પાસેથી રૂપિયા ખંખરવામાં આવ્યાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વાંચો આ અહેવાલ…
આ કૌભાંડમાં ભૂતપૂર્વ તલાટી કમમંત્રીનો હાથ હોવાનો દાવો
આ કૌભાંડમાં ગામનો ભૂતપૂર્વ તલાટી કમ મંત્રી ધર્મેશ હાપલિયા મુખ્ય સૂત્રધાર છે. નકલી પત્રો, લેટરપેડ અને સિક્કા સાથે એવી હરાજી યોજાઈ જેમાં પ્લોટ ફાળવણી માટે લોકો પાસેથી પ્રતિ ચોરસ મીટર ₹300ની લાંચ પણ લેવામાં આવી હતી. ગ્રામજનોને ઓછી કિંમતમાં જમીન આપવાની લાલચ આપી વાટાઘાટ કરવામાં આવી, અને અધિકારીઓની સાંઠગાંઠથી નકલી હુકમો તૈયાર કરવામાં આવ્યાં હોવાના દાવાઓ કરવામાં આવ્યાં છે.
જમીન વેચાણના દસ્તાવેજે જ ફોડી નાંખી સ્કેમની પોલ
જ્યારે અમુક પ્લોટધારકોએ પોતાનું માલિકીહક વેચવાનો પ્રયાસ કર્યો ત્યારે તપાસ દરમિયાન હરાજી પ્રક્રિયા ખોટી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આમાં ઠરાવ વગરના હુકમ નંબર, તારીખ વગરના સર્ક્યુલર અને નકલી અધિકારીઓની સહી પણ કરી દેવામાં આવી હતી. આ મુદ્દે ગોંડલ તાલુકા વિકાસ અધિકારી મિલન ઉકાવાલાએ આ સમગ્ર મામલે હાથ ઊંચા કરી દેતું નિવેદન આપ્યું હતું. મિલન ઉકાવાલનું કહેવું છે કે, અમને આવી કોઈ ફરિયાદ મળી જ નથી. તો સવાલ એ થાય છે શું આમાં કોઈ સરકારી અધિકારી પણ સામેલ હશે? આખરે શા માટે આસમગ્ર મામલાને ઢાંકી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? લોકો ફરિયાદ કરી રહ્યાં છે, ખોટી હરાજી થઈ છે, લોકો પાસેથી રૂપિયા ખંખેરવામાં આવ્યાં છે તો પછી આ બાબતે તપાસ થવી જરૂરી છે, તેવું સ્થાનિકો જણાવી રહ્યાં છે.
આ સ્થાનિક શાસન વ્યવસ્થાની બેજવાબદારીનું પ્રતિબિંબ છે
ત્રાકુડા ગામમાં બન્યું નકલી તાલુકા પંચાયત કચેરી કાંડ એ માત્ર ભ્રષ્ટાચારનો કિસ્સો નથી, પરંતુ તે સ્થાનિક શાસન વ્યવસ્થાની બેજવાબદારીનું પ્રતિબિંબ છે. આવા કાંડમાં માત્ર નકલી દસ્તાવેજો નહીં, પણ સત્તાવાળાઓની સંડોવણી અને નિષ્ક્રિયતાનું પણ પૂરતું દખલ છે. એક જગ્યાએ સંપૂર્ણ રીત સરકારી સિક્કા અને સહીનો ઉપયોગ કરીને જમીન આપી ગ્રામજનોને નકલી દસ્તાવેજો આપીને રૂપિયા ખંખેરી લેવામાં આવે છે અને આ મામલે કોઈને જાણ પણ નથી થતી? આવું કેવી રીતે શક્ય બને? હવે જોવાનું એ રહે છે કે, આ મામલે કેવી કાર્યવાહી કરવામાં આવે છે?
આ પણ વાંચો…લો બોલો પહેલા હળદર અને હવે વાજા વગડાવવાના ટ્રેન્ડે મચાવી ધૂમ, જાણો નકલી લગ્નના અસલ ટ્રેન્ડની ખાસીયત