રાજકોટના ઉપલેટામાં ભૂકંપના આંચકાથી ફફડાટ: જેતપુર અને ધોરાજીમાં પણ ધરા ધ્રુજી

ઉપલેટા: ગુજરાતમાં ભૂસ્તરિય હલચલનો સિલસિલો યથાવત જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લોકો ધ્રુજારીના કારણે ઘરની બહાર દોડી આવ્યા હતા. આ કુદરતી ઘટનાએ ફરી એકવાર ભૂકંપ પ્રત્યેની સાવચેતી અને સજ્જતાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સદનસીબે, આ આંચકાને કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૩ નોંધાઈ હતી. રાત્રે ૮:૪૫ વાગ્યે અનુભવાયેલા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી આશરે ૩૦ કિમી દૂર હતું. આ આંચકાની અસર જેતપુર, ધોરાજી અને તેની આસપાસના જેતલસર, પાંચ પીપળા તેમજ પેઢલા જેવા ગામોમાં વધુ જોવા મળી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, થોડી સેકન્ડો માટે જમીન ધ્રુજતા વાસણો અને બારી-બારણાં ખખડ્યા હતા, જેના કારણે ઊંઘમાં રહેલા લોકો પણ જાગી ગયા હતા.3
આપણ વાચો: બાંગ્લાદેશમાં એક જ સેકન્ડમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા, BMDએ આપી જાણકારી
ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસો પહેલા જ 26 ડિસેમ્બરે કચ્છના વાગડ વિસ્તારમાં 4.6ની તીવ્રતાનો મોટો આંચકો નોંધાયો હતો. આ આંચકો જમીનથી માત્ર 5 કિલોમીટરની ઊંડાઈએથી ઉદભવ્યો હોવાથી તેની અસર ઘણી તીવ્ર હતી. કચ્છમાં તે દિવસે 15થી વધુ નાના-મોટા આંચકા નોંધાતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. વાગડની નરમ માટી અને પોચા પથ્થરોના સ્તરને કારણે આ ધ્રુજારી વધુ અનુભવાઈ હતી, જેને ‘શેલોઅર’ (Shallow) કેટેગરીનો ભૂકંપ માનવામાં આવે છે.
ભૂકંપ એક એવી કુદરતી આપત્તિ છે જેને રોકી શકાતી નથી, પરંતુ યોગ્ય તાલીમ અને સજ્જતાથી નુકસાન ઘટાડી શકાય છે. નિષ્ણાતોના મતે શાળાઓ અને કોલેજોના અભ્યાસક્રમમાં ભૂકંપ સમયે બચાવ કામગીરીની તાલીમને અનિવાર્ય બનાવવામાં આવે. દરેક ગામે અને દરેક ઘરમાં ભૂકંપ વખતે કેવી રીતે સ્વ-બચાવ કરવો તેની સમજ આપવી જરૂરી છે. ઉપરાંત, નવા બાંધકામો થતી વખતે ઇમારતો ભૂકંપપ્રૂફ માપદંડો મુજબ જ બને તે જોવાની જવાબદારી તંત્ર અને નાગરિકો બંનેની છે.
આગામી 26 જાન્યુઆરીએ કચ્છના 2001ના ગોઝારા ભૂકંપને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પચીસ વર્ષનો સમય આપણને એ યાદ અપાવે છે કે આપણે ભૂકંપ જેવા જોખમો સાથે જીવતા શીખવું પડશે. કચ્છનો એ ભૂકંપ માત્ર એક આપત્તિ નહોતી, પણ આવનારી પેઢીઓ માટે એક ચેતવણી અને શિક્ષણ હતું. આપણે ભૂતકાળની ભૂલોમાંથી શીખીને વધુ સુરક્ષિત અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની દિશામાં મક્કમતાથી આગળ વધવું જોઈએ.



