એડમિશન બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના “બેહાલ” : અમુક ભવનોમાં એડમિશન 2 અંકોથી પણ ઓછા
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનોમાં થયેલા પ્રવેશના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. સૌરાષ્ટ્રની સૌથી જૂની યુનિવર્સિટીમાં પ્રવેશમાં ધરખમ ઘટાડો થયો છે. નવા શૈક્ષણિક સત્રમાં યુનિવર્સિટીની 1,563ની ઇન્ટેક કેપેસીટી સામે 990 વિદ્યાર્થીએ જ એડમિશન લીધા છે. એટલે કે 573 જેટલી જગ્યાઓ ખાલી રહી છે. પ્રવેશના આંકડાઓ ઘણા ચોંકાવનારા છે કારણ કે અમુક ભવનોમાં વિદ્યાર્થીઓની સંખ્યા બે આંકડાને પણ પાર નથી થઈ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 29 જેટલા ભવનોનો સમાવેશ થાય છે. જો કે પાંચ વર્ષના એડમિશનની સ્થિતિ જોઈએ તો સાયન્સ અને કોમર્સના ભવનોમાં વિદ્યાર્થી ઓની સંખ્યા ફૂલ થઈ હોય છે. પરંતુ આર્ટસ ફેકલ્ટીના અમુક ભવનોમાં વિદ્યાર્થીઓની સંખ્યા માંડ માંડ 2 આંકડાઓને પહોંચે છે. આમ છતા ભવનોના અધ્યક્ષો દ્વારા આ બાબતે કોઇ પગલાં લેવામાં આવતા નથી. લાખોના પગાર મેળવતા ભવનોના અધ્યક્ષો દ્વારા કોઇ આઉટપુટ નથી મળતું.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશનો ઘટયા; પ્રથમ રાઉન્ડ બાદ પણ 60 ટકા બેઠકો ખાલી
આ ભવનોમાં વિદ્યાર્થીની સંખ્યા 2 અંકોથી પણ ઓછી:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમના અનેક ભવનોમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા બે આંકડાને પણ પાર નથી પહોંચી. યુનિવર્સિટીમના લો ડિપાર્ટમેન્ટમાં લો એકઝીમ -ઇમ્પોર્ટ-એક્સપોર્ટ લો વિષયમાં 2, ડીપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સમાં 4, ડીપાર્ટમેન્ટ ઓફ બાયો ટેકનોલોજીમાં માસ્ટર ઓફ સાયન્સ અને માર્કેટિંગમાં માસ્ટર ઓફ કોમર્સમાં 5, ડીપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમમાં માસ્ટર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનમાં 6, ડીપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ સાથે માસ્ટર ઓફ કોમર્સ, માસ્ટર ઓફ આર્ટસ વિથ તત્વજ્ઞાન, માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં 7, લો ડિપાર્ટમેન્ટમાં બેન્કિંગ લો અને મનોવિજ્ઞાનમા PGDCCમાં માત્ર 8 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે.
આ બાબતે ગઇકાલે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા 12 ભવનના વડા સાથે બેઠક યોજી હતી. ભવનોની સમાવેશ ક્ષમતાના અડધો-અડધ બેઠકો ખાલી હોવાથી ભવનોના વડાના ક્લાસ લેવાયા હોવાની પણ ચર્ચા છે. કુલપતિ દ્વારા આ ભવનોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જો કે આ મામલે હવે એડમિશનની પ્રક્રિયા પુનઃ શરૂ કરવામાં આવે તેવા પણ સંકેતો મળી રહ્યા છે.