રાજકોટ

રસ્તા બનાવું બે -ચાર ? બનાવો દસ-બાર : રાજકોટમાં કામ કરોડોના, દર વર્ષે ધોવાણ યથાવત

રાજકોટમાં ચાલુ વર્ષે સાતમ-આઠમના તહેવારોમાં પડેલા ભારે વરસાદના કારણે મોટુ નુકસાન થયું છે. નવો રીંગ રોડ ધોવાઇ ગયો છે. તો શહેરમાં ઠેર ઠેર ખાડા પડયા છે. રૈયા રોડ, કાલાવડ રોડ, નાના મવા, મોટા મવા, કટારીયા ચોકડી, સામાકાંઠાના ઘણા રસ્તાના ભૂકકા નીકળી ગયા છે.

ત્યારે છેલ્લા વર્ષોની વાત કરીએ તો મનપાએ ત્રણ વર્ષમાં પૂરા શહેરમાં ડામર, પેવર, મેટલીંગ, રી-કાર્પેટ, સીમેન્ટ રોડ, ટીપીના રસ્તા, ફૂટપાથ સહિતના બાંધકામ શાખાને લગતા કામો માટે 294 કરોડના ખર્ચ કર્યા છે. ચાલુ 2024-25ના વર્ષમાં થયેલા અને થનારા કામોનો આંકડો તો જુદો છે ત્યારે મહાનગરમાં આ વર્ષે અને આવતા વર્ષે પણ ડામર રોડ માટે વધુ મોટુ બજેટ ફાળવવું પડે તેવી હાલત છે.

છેલ્લા વર્ષોમાં તો સિમેન્ટ રોડ, વ્હાઇટ ટોપીંગ પધ્ધતિથી પણ કામો થયા છે. છતાં 2023-24ના નાણાકીય વર્ષમાં સવાસો કરોડના રસ્તાના કામ થયા હોય, તેમાં કરોડો રૂપિયા તો રીપેરીંગ, મેટલીંગ, રી-કાર્પેટ માટે ખર્ચાયાનું આંકડા કહે છે.

આપણ વાંચો: રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે થયો હોબાળો સફાઈ કામદારો જાતે પહોંચ્યા કે કોઈના ઈશારે?

મહાપાલિકાની બાંધકામ શાખામાંથી જાણવા મળતી વિગત મુજબ આ શાખા હેઠળ રસ્તાને લગતા જુદા જુદા હેડ હેઠળના દોઢ ડઝન પ્રકારના કામો થાય છે. જેમાં રસ્તા, ટીપી રોડ, મેટલીંગ, રી-કાર્પેટ, પેવર, સીસી, પેવીંગ બ્લોક, કોંક્રીટ, ફૂટપાથ જેવા કામો પણ સામેલ હોય છે. 2021-22માં 24.4 કરોડના રસ્તા કામો કરવામાં આવ્યા હતા તો 100 કરોડના ખર્ચે સિમેન્ટ રોડ અને પેવીંગ બ્લોકનું કામ કરવામાં આવ્યું હતું.

એઇમ્સ તરફના રસ્તા માટે 4.78 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. ફૂટપાથ પાછળ પણ પોણા ત્રણ કરોડ જેટલો ખર્ચ કરાયો હતો. તો સ્વર્ણિમ યોજના હેઠળ 57.7 કરોડના રસ્તાના કામ કરવામાં આવ્યા હતા જેમાં મુખ્ય માર્ગો, ટીપીના રસ્તાઓનો સમાવેશ થાય છે.

2022-23માં 40 કરોડના રસ્તા, 50 કરોડના સિમેન્ટ રોડ અને પેવીંગ બ્લોક, પોણા ચાર કરોડના ટીપી રોડ, 5.80 કરોડના એઇમ્સ તરફના રોડ, 10 કરોડના નવા રોડ, 12 કરોડની ફૂટપાથ બનાવવામાં આવી હતી. સ્વર્ણિમ યોજના હેઠળ 96.64 કરોડના રસ્તા કામ કરાયા હતા. આ જ રીતે 2023-24માં મેટલીંગ માટે 20 કરોડ રી-કાર્પેટ માટે 17 કરોડ, સિમેન્ટ રોડ અને બ્લોક માટે 8 કરોડ, મેટલીંગ માટે 20 કરોડ, રી-કાર્પેટ માટે 18 કરોડ, પેવર માટે 64 કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા.

તો પ્રથમ વખત વ્હાઇટ ટોપીંગ ટેકનોલોજીથી 9 કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત 110.75 કરોડની સ્વર્ણિમ યોજનાની ગ્રાંટમાંથી રસ્તા બનાવવામાં આવ્યા હતા.

આ રીતે શહેરમાં દર વર્ષે જેટલી રકમના નવા રોડ બનાવવામાં આવે છે તેની સામે રીપેરીંગમાં પણ મોટો ખર્ચ થાય છે. સામાન્ય રીતે દર સાત-આઠ વર્ષે નવો રોડ બનાવવામાં આવે છે. પરંતુ પાઇપલાઇન જેવા કામ બાકી હોય તો 10 વર્ષ પણ નીકળી જાય છે. ટેન્ડર સિવાય ઝોનલ કોન્ટ્રાકટર પાસે છુટક રીપેરીંગ કામ ચાલતું હોય છે. વર્ષે 30 કરોડના ટેન્ડર સિવાય ઝોન કક્ષાએ રીપેરીંગનું કામ પણ કરોડોમાં હોય છે.

આપણ વાંચો: રાજકોટને સાફ સુથરું રાખવા સફાઈ કામદારોની ભરતી કરો: વશરામ સાગઠીયા

રાજકોટમાં રસ્તાને નુકસાનનું ટ્રાફિકને લગતું કારણ પણ રજૂ કરવામાં આવે છે. ડ્રેનેજના ઢાંકણાની ક્ષમતા રપ ટન વજનની રાખવામાં આવે છે. એટલે કે તેટલી ક્ષમતા ડામર રોડની પણ હોય છે. પરંતુ શહેરમાં ભારે માલ લઇને દોડતા ડમ્પર જેવા વાહનોના કારણે પણ ડામર રોડને વધુ નુકસાન થતું હોવાનું અવારનવાર ધ્યાન પર આવે છે.

ત્રણ દિવસમાં દોઢ ફુટ વરસાદ,રસ્તાની જ કેડ ભાંગી

શહેરમાં સાતમ-આઠમના દિવસોમાં પડેલા મુશળધાર વરસાદે મહાપાલિકા સહિતના તંત્રને ઉંધેમાથે કરી દીધુ હતું. કોર્પોરેશને માર્ગોને આ વરસાદથી ભારે નુકસાની થઇ છે ત્યારે છેલ્લા વર્ષોમાં સતત ત્રણથી ચાર દિવસ આટલો ભારે વરસાદ પડયો હોય તેવું કોઇને યાદ નથી. આ સંજોગોમાં સતત પલળતા ડામર રોડ અંદરથી ધોવાઇ ગયાની હાલત સર્જાઇ હતી.

મનપાના ઇજનેરી સુત્રો કહે છે કે આમ પણ પાણીના કારણે ડામરને નુકસાન થાય છે. હવે કોર્પો. દ્વારા ગેરેંટીવાળા રસ્તા બનાવવામાં આવે છે. છતાં સતત વરસાદી પાણી ભરેલું રહે તો ડામર છુટો પાડી જ દે છે. આ કારણે જ રસ્તા પર ખાડા પડતા હોય છે. આ વખતે સતત 72 કલાક સુધી વરસાદ વરસતો રહ્યો હતોે. ચોથા દિવસે પણ હળવો વરસાદ ચાલુ હતો.

સતત એક અઠવાડિયુ તડકો ન નીકળતા રસ્તા પર પાણી ભરાયેલા રહેતા હતા. આ કારણે ડામર વધુ ધોવાયો હતો. ડામર રોડની પાણી સહન કરવાની ક્ષમતા પણ મર્યાદામાં હોય છે. ત્રણ દિવસમાં દોઢ ફુટ (32 ઇંચથી વધુ) વરસાદ વરસ્યો હતો. ભુતકાળમાં એક દિવસમાં 20 ઇંચ વરસાદ પણ પડયો છે. પરંતુ સતત ત્રણ-ચાર દિવસ આટલુ પાણી કદાચ પહેલી વખત પડતા જુના રસ્તાઓનું વધુ ધોવાણ થયું છે.

આપણ વાંચો: રાજકોટમાં ચડ્ડી-બુકાનીધારી ગેંગે કરી 5 ઘરમાં કરી ચોરી: ઘટના CCTVમાં કેદ

ડામર કામનું બજેટ વોર્ડ દીઠ દર વર્ષે દોઢ કરોડનું

રાજકોટમાં દર વર્ષે સોસાયટી જેવા વિસ્તારો માટે 30 કરોડનું ડામર રોડનું બજેટ રાખવામાં આવે છે. દર વર્ષે ટેન્ડર બહાર પાડીને આ કામ કરાવવામાં આવે છે. ત્રણે ઝોનમાં 10-10 કરોડના કામ મહાપાલિકા કરે છે. સરેરાશ એક વોર્ડને સવાથી દોઢ કરોડના કામ મળે છે. છતાં નવા ભળેલા જેવા વિસ્તારમાં વધુ જરૂર હોય ત્યાં વધુ કામ પણ કરવામાં આવે છે. જુના રાજકોટના વોર્ડ નં.7, 14, 17, 8 વગેરેમાં રસ્તાની હાલત બહુ બગડતી ન હોય ત્યાં રીપેરીંગ પણ ઓછા આવે છે. પરંતુ નવા ભળેલા વિસ્તારમાં વધુ બજેટ ફાળવવામાં આવે છે. તો વળી જયાં ડિઝાઇન રોડ બનાવવાનો હોય તેવા રોડનો ખર્ચ અલગથી કરવામાં આવે છે. કારણ કે ત્યાં મેટલ, મોરમ, પેચવર્ક, ડામર, પેવીંગ બ્લોક, ફૂટપાથ, ડકટ લાઇન, ડીવાઇડર સહિતના પ્લાન સાથેનો રોડ હોય છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker