રાજકોટ

ભ્રષ્ટાચાર મામલે કૉંગ્રેસે ફરી કર્યા પ્રહારોઃ મુખ્ય પ્રધાન સમક્ષ કરી આ માગણી

રાજકોટ: શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજ્યમાં તોસ્તાન તોડબાજી ચાલી રહી છે. રાજ્યની મહાનગરપાલિકાઓ, રાજ્ય સરકારની કચેરીઓ પોલીસ સ્ટેશનો, પોલીસ ચોકીઓ, કેન્દ્ર સરકારની કચેરીઓમાં ‘ગાંધીછાપ’ વગર કામ થતા નથી એ જગ જાહેર છે. લોકોને સામાન્ય રેશનકાર્ડના કામો માટે બે થી ત્રણ ત્રણ હજાર રૂપિયા ભાજપના દલાલોને આપવા પડે છે.

રાજ્યમાં ભય,ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળનાર ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે. ભ્રષ્ટાચારને જળમૂળ માંથી નાબૂદ કરવા માટે ગુજરાતમાં 7 ડિવિઝન હેઠળ 37 પોલીસ સ્ટેશન લાંચ રૂશ્વત બ્યુરોની કચેરી (ACB) કાર્યરત છે પરંતુ એસીબી કચેરી પણ ભ્રષ્ટાચારના ભોરિંગ ભરડા સપળાયું હોય એવું સ્પષ્ટ જણાય છે.

કારણ કે અગાઉ જૂનાગઢના ACB ના પોલીસ ઇન્સ્પેક્ટર અમદાવાદ ખાતે 18 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. વડોદરામાં નાયબ મામલતદાર જશવંતસિંહ હજુરી છઠ્ઠા માળે 94000 ની લાંચ લેતા સપડાયા હતા જ્યારે સાતમા માળે એસીબી ની ઓફિસ કાર્યરત છે એટલે કે એસીબી ની અને રાજ્ય સરકારની છત્રછાયામાં જ આવા લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓ બેકાબુ બન્યા છે.

આ પણ વાંચો: રાજકોટમાં યુનિ. પોલીસ સ્ટેશનની પંચાયત ચોકીમાં 25,000 લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો

રાજકોટમાં ગઈકાલે કોન્સ્ટેબલ વિપુલ ઓળકિયા અને કહેવાતા વકીલ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તાબા હેઠળના આવતા સાધુ વાસવાણી રોડ પરના પંચાયત ચોકીમાં ₹25,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. રાજકોટમાં પોલીસ ચોકીઓમાં અલીગઢી તાળાઓ જોવા મળે છે અથવા જે ચોકીઓ ચાલુ છે તે ચોકીઓમાં વહીવટો થતા હોય તેવું સ્પષ્ટ જણાય છે રાજકોટમાં અગાઉ પણ પોલીસ સ્ટેશનો અને પોલીસ ચોકીઓમાં પોલીસ અમલદારો અને કોન્સ્ટેબલ ઝડપાયા છે ત્યારે રાજ્ય સરકારનો ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો પરપોટો ફૂટી ગયો છે.

આશ્ચર્યની બાબત તો એ છે કે જે કોન્સ્ટેબલ રાજકોટમાં ગઈકાલે એસીબીની ટ્રેપમાં ફસાયો છે તે અગાઉ પણ અમદાવાદ ખાતે આ પ્રકારના કારનામા અને કરતુતો કરી ચૂક્યો છે.

તેમ છતાં આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓને શાસક પક્ષના આદેશથી સત્તાધીશોની સિધી દોરવણી હેઠળ રાજ્ય સરકાર દ્વારા છાવરવામાં આવે છે અને ગાંધીનગરમાં બેઠેલા રાજકીય ગોડ ફાધરોના ઇશારે આવા લાંચિયા અને ભ્રષ્ટ અમલદારો અને સરકારી કર્મચારીઓને મહત્વના પોસ્ટિંગ આપવામાં આવે છે ત્યારે રાજ્ય સરકાર જો ખરેખર ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માગતી હોય તો અન્ય રાજ્યોની જેમ આવા ભ્રષ્ટાચારી સરકારી કર્મચારીઓ કે અમલદારોને સસ્પેન્ડ નહીં પરંતુ બરતરફ (ઘરભેગા) કરી દેવા માટે કોંગ્રેસે માંગ ઉઠાવી મુખ્યમંત્રીને તાકીદના પત્રથી રજૂઆત કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button