સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી લાંચ લેતો ક્લાર્ક ઝડપાયો; આ કારણે માંગી હતી લાંચ

રાજકોટ: ભ્રષ્ટાચારની ઘટનાઓની વણજાર અટકવાનું નામ નથી લઈ રહી. સરકારી કચેરીઓથી લઈને શૈક્ષણિક સંસ્થાઓ પણ ભ્રષ્ટાચારની ઘટનાઓની દૂર રહી શકી નથી. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમેસ્ટર 6નું લેટ ફોર્મ ભરવા લાંચ માંગનારા ક્લાર્કને એન્ટિ કરપ્શન બ્યુરોએ રંગે હાથે ઝડપી લીધો હતો.
લેટ ફોર્મ ભરાવવા માંગી હતી લાંચ
પ્રાપ્ત વિગતો અનુસાર વિદ્યાર્થીને સેમેસ્ટર-6નું એટીકેટી માટેનું ફોર્મ ભરવાનું શરત ચૂકથી રહી ગયેલ હોય જે સેમેસ્ટર-6 નું લેટ ફોર્મ ભરાવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા વિભાગ કચેરીમાં કરાર આધારિત ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હિરેનભાઈ જગદીશભાઈ પદવાણીએ લાંચ માંગી હતી.
આપણ વાંચો: આખરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળ્યા કાયમી કુલપતિ; ડો.ઉત્પલ જોશીની નિમણૂક
એસીબીએ ગોઠવ્યું લાંચનું છટકું
આરોપીએ ફરિયાદી પાસે ૫,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય તેમણે એસીબીને જાણ કરી હતી. તેમની ફરીયાદનાં આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું, તે મુજબ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને આરોપીએ લાંચની રકમ ફરીયાદી પાસેથી માંગી અને સ્વીકારતા હોય એસીબીએ રંગે હાથ ઝડપી લીધો હતો.