ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર જીપમાંથી ઉતરતાં સિંઘમનાં ગીત વગાડી સ્ટાઈલો મારે છે, હાઈ કોર્ટમાં રજૂઆત

રાજકોટઃ ચોટીલાના ડેપ્યુટી કલેક્ટરે સરકારની ખાતરીની ઐસીતૈસી કરીને ગૌશાળા તોડી પાડતાં હાઈ કોર્ટ લાલઘૂમ થઈ હતી. આ ઉપરાંત તેઓ જીપમાંથી ઉતરતાં સિંઘમનાં ગીત વગાડી સ્ટાઈલો મારતા હોવાની પણ કોર્ટમાં રજૂઆત થઈ હતી. ચોટીલાની નવગ્રહ મંદિરની ગૌશાળાનો શેડ કોડવાની અરજીની સુનાવણીમાં વર્ષ 2025માં કરાયેલા હુકમને 2026માં કરાયો હોવાનું ખોટી રીતે રજૂ કરવામાં આવતા હાઈ કોર્ટે ડેપ્યુટી કલેકટર અને મામલદારનો ઉધડો લીધો હતો. હવે આ કેસની સુનાવણી 9 ફેબ્રુઆરીના રોજ થશે.
અરજદારના વકીલે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે ડેપ્યુટી કલેક્ટર એચ ટી મકવાણા જાતે જ ઘણું બધું વિચારે છે. તેઓ સરકારનું જોરદાર કામ કરવાનો દેખાડો કરે છે, કાયદો હાથમાં લે છે. ગાડીમાંથી ઊતરે એટલે સિંઘમનાં ગીતો વગાડે છે.
કોણ છે એચ ટી મકવાણા
ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર તરીકે એચ.ટી. મકવાણા નું વતન બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાનું લવાણા ગામ છે. તેમના પરિવારમાં માતા-પિતા, બે બહેનો, એક ભાઇ, પત્ની અને 2 બાળકો છે. તેમણે લવાણા ગામમાં પ્રાથમિક શિક્ષણ લીધું. ધોરણ 8થી 10નો અભ્યાસ લવાણામાં લોક નિકેતન વિનય મંદિરમાં કર્યો. ધોરણ 11, 12નો અભ્યાસ થરાદના ગાયત્રી વિદ્યાલયમાં કર્યો. 12 સાયન્સ પૂરું કર્યા પછી ખંભાતથી ડિપ્લોમા ફાર્મસી કર્યું છે.
ડી ટુ ડી પરીક્ષા આપી અમદાવાદની એલ.એમ. કોલેજ ઓફ ફાર્મસીમાંથી બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર ઓફ ફાર્મસી કર્યું હતું. 7મા ધોરણમાં અભ્યાસ દરમિયાન તેમની પાસે ફી ભરવાના 526 રૂપિયા નહોતા એટલે તેમણે અભ્યાસ છોડી દીધો હતો. બાદમાં શાળાના શિક્ષકો અને સ્થાપકે ફીની રકમની વ્યવસ્થા કરી આપતા તેમણે ફરીથી અભ્યાસ શરૂ કર્યો હતો.
અભ્યાસ પૂરો કર્યા બાદ તરત સરકારી નોકરીની ભરતી આવતાં મેરિટ બેઝ પર ફાર્માસિસ્ટ તરીકે જોડાયા હતા. થોડો સમય રાપરના પલાસવા ખાતે CHCમાં નોકરી કરી, ત્યાંથી ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં નોકરી કરી હતી. એ પછી UPSC, GPSCની તૈયારી ચાલુ કરી હતી. વર્ષ 2017-18થી ફરી સરકારી નોકરી શરૂ કરી હતી. દોઢ વર્ષ બાદ 2017-18માં ફરી GPSC પરીક્ષા આપીને સીધા ડેપ્યુટી કલેક્ટર બન્યા હતા. 2019માં તેમને પોસ્ટિંગ મળ્યું હતું.



